આપણા દેશમાં મહિલાઓ વધુ સશક્ત થઈ રહી છે અને મોટી સિદ્ધિઓ પણ હાંસલ કરી રહી છે ત્યારેજ હવે સુપ્રીમ કોર્ટે ન્યાયિક ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણ વેગ આપવાની દિશામાં એક પગલું ભર્યું છે. સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનમાં એક તૃતીયાંશ મહિલા અનામત લાગુ કરવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે બીડી કૌશિકના મામલામાં સુપ્રીમ કોર્ટના જૂના ર્નિણયની સ્પષ્ટતા કરતા આ નિર્દેશો આપ્યા છે. બેન્ચની સૂચના મુજબ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના ટ્રેઝરરનું પદ મહિલા માટે અનામત રહેશે. આ ઉપરાંત, એસોસિએશનની ર્વકિંગ કમિટીના નવમાંથી ત્રણ સભ્યોની જગ્યાઓ મહિલાઓ માટે અનામત રહેશે.
વરિષ્ઠ વકીલો માટેની વાત કરીએ તો, સિનિયર એક્ઝિક્યુટિવના છ સભ્યોમાંથી બે અને જનરલ એક્ઝિક્યુટિવના નવમાંથી ત્રણ સભ્યો મહિલા હશે. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ અનામત પાત્ર મહિલા સભ્યોને અન્ય પદો માટે ચૂંટણી લડતા અટકાવશે નહીં. કોર્ટના નિર્દેશ અનુસાર, એસ સી બી એ અધિકારીઓની એક પોસ્ટ રોટેશનના આધારે ફક્ત મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.
કોર્ટના નિર્દેશ મુજબ ૨૦૨૪-૨૫ની મુદત માટે ૧૬ મેના રોજ ચૂંટણી યોજાશે. આ પછી ૧૮ મેના રોજ મતગણતરી થશે અને ૧૮ મેના રોજ પરિણામ જાહેર થશે. ચૂંટણી સમિતિમાં વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તા, રાણા મુખર્જી અને મીનાક્ષી અરોરાનો સમાવેશ કરવામાં આવશે.
દેશ ની સર્વોચ અદાલતે કહ્યું હતું કે, એસ સી બી એ ના ધોરણો, પાત્રતાની શરતો વગેરે દાયકાઓ સુધી સ્થિર રહી શકે નહીં અને સમયસર સુધારાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે એસ સી બી એ ની કાર્યકારી સમિતિને બારના તમામ સભ્યો પાસેથી સૂચનો આમંત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સૂચનો ૧૯ જુલાઈ, ૨૦૨૪ સુધીમાં ડિજિટલ અથવા પ્રિન્ટ સ્વરૂપે આપવાના છે અને પછીથી સર્વોચ્ચ અદાલત સમક્ષ મૂકવામાં આવશે.