Gujarat

સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલ ખાતે  વાર્ષિકોત્સવની રંગારંગ ઉજવણી કરાઈ

 સરકારી વિનયન અને વાણિજય કોલેજ કઠલાલ ખાતે આચાર્ય  વૈશાલીબેન મકવાણાના નેતૃત્વ હેઠળ વાર્ષિકોત્સવ – ઇનામ વિતરણ તૃતીય વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું હતું. સમારંભના અધ્યક્ષ તરીકે મહિલા અધિકારો માટે સક્રિય એવા જાગૃત મહિલા સંગઠન, આણંદના પ્રમુખ માન. આશાબેન દલાલ તેમજ મુખ્ય અતિથિ તરીકે કઠલાલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર આશાબેન રાજ ઉપસ્થિતિ રહ્યા હતા. તેઓ દ્વારા વિદ્યાર્થીઓને  પ્રેરણાત્મક ઉદબોધન આપતા આગામી સમયમાં સમાજમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બાબતે પ્રેરિત કર્યા હતા. આચાર્ય વૈશાલીબેન મકવાણાએ વિદ્યાર્થીઓને તેઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ અર્પી હતી.
શૈક્ષિણક વર્ષ ૨૦૨૩-૨૪માં કોલેજમાં કાર્યરત વિભિન્ન પ્રકલ્પો અંતર્ગત થયેલ કામગીરી અંગેના અહેવાલનું વાંચન સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. દિવ્યનાથ શુક્લ દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ સરદાર પટેલ યુનિવર્સિટી SSIP, નવધારા ખાતે બ્રાઇટ ફ્યુચર નામે સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ મંજૂર થવા બદલ અત્રેની કોલેજના 02 વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાનું અનુદાન મળવા બદલ  સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી અને ઇનોવેશન ક્લબના સંયોજક . ડૉ. પલ્લવીકા ભટ્ટ મેડમની યશસ્વી કામગીરીને બિરદાવવામાં આવેલ.
ગુજરાત યુનિવર્સિટી ખાતેથી શૈક્ષણીક ક્ષેત્રની સર્વોચ્ચ પદવી એવી વિદ્યાવાચસ્પતીની  પદવી મળવા બદલ સમાજશાસ્ત્રના વિષયના પ્રા. ડૉ. પરેશકુમાર એચ. પટેલનું કૉલેજ દ્વારા સન્માન કરવામાં આવેલ. આ ઉપરાંત ચાલુ વર્ષે સંસ્થામાં નવી નિમણૂંક પામી જોડાનારા પ્રા. હિતેશ સાધુને સંસ્થા વતી આવકારવામાં આવેલ. ત્યારબાદ વર્ષ દરમિયાન વિભિન્ન સ્પર્ધાઓમાં યુનિવર્સિટી લેવલે તેમજ રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે કૉલેજનું નામ રોશન કરનાર વિધાર્થીઓનું અતિથીઓના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.  પ્રસ્તુત કાર્યક્રમ દરમિયાન કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિભિન્ન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની અભિવ્યક્તિ કરવામાં આવેલ. કાર્યક્રમને અંતે વિશ્વ વન દિવસને અનુસંધાને આજના યુવાનો પર્યાવરણ પ્રત્યે જાગૃત તેમજ પ્રવૃત્ત થાય તેવા હેતુથી સરકારી કૉલેજ, કઠલાલ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે મહેમાનોના વરદ હસ્તે કૉલેજ પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રા. આકાશ પરમાર દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન ગુજરાતી વિભાગના વંદના રામી દ્વારા કરવામાં આવેલ.