ડેસર તાલુકાના સાંઢાસાલ વિભાગના ખેડૂતોને માથે પુનઃ એક વખત આકાશી આફત આવી છે. દિવેલાના પાકમાં ફૂગનો રોગ, જ્યારે મરચાના પાકમાં કાળી મસી અને સુકારા જેવો રોગ આવતા ખેડૂતોએ ના છૂટકે પોતાના હજારો એકર જમીનમાંથી મરચાંનો પાક કાઢી લેવાની ફરજ પડી હતી. દર વર્ષ કરતાં આ વર્ષે 60% જેટલો મરચાના પાકમા ઉતારો ઓછો આવતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વખત આવ્યો છે.
એક વીઘાના ખેતરમાંથી દર વર્ષે 800થી 900 મણ જેટલા મરચાની ઉપજ થતી હતી. તેના બદલે આ વર્ષે માત્ર 200 મણ મરચાનો ઉતારો આવ્યો હતો. ખેડૂતોને ખેતીમાં થયેલો ખર્ચો પણ માથે પડ્યો છે.
ફેબ્રુઆરી-માર્ચ માસ સુધી તમામ ખેતરોમાં મરચાનો પાક લહેરાતો હતો. તેના બદલે આ વખતે નવેમ્બરમાં મોટાભાગના ખેડૂતોએ રોગચાળાને લઈ પોતાના ખેતરોમાંથી મરચાનો પાક કાઢી નાખ્યો હતો. રહ્યા સહ્યા ખેડૂતો હવે ખેતરોમાંથી મરચાનો પાક કાઢી રહ્યા છે.
જ્યારે દિવેલામાં ફૂગ આવવાના કારણે વિસ્તારના ખેડૂતોએ હજારો એકરના મોટા મોટા ખેતરોમાં ડ્રોન મારફતે દવાનો છંટકાવ કર્યો હતો. છતાંય કોઈ ફરક પડ્યો ન હતો. ફૂગના કારણે આ વર્ષે દિવેલાના પાકમાં ઉતારો સદંતર ઓછો આવ્યો હતો.
ખેડૂતો જણાવે છે કે આ વર્ષે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે માત્ર અમારો કરેલો ખર્ચો પરત આપે તોય ઘણું. આખા વર્ષ દરમિયાન કમોસમી માવઠાએ રડાવ્યા હવે ફૂગ, ઈયળ અને કાળી મશી હેરાન કરી રહી છે. કેટલાક ખેડૂતોને જંગલી પશુઓ, નીલગાય, રોજ, ભૂંડ, હેરાન કરી રહ્યા છે.
માવઠાઓના કારણે દિવેલાના પાકમાં ફૂગનું પ્રમાણ વધ્યું
આખા વર્ષ દરમિયાન વાતાવરણમાં અવારનવાર પલટા આવ્યા છે. માવઠાઓના કારણે દિવેલાના પાકમાં ફૂગનું પ્રમાણ વધ્યું હતું. જેથી દિવેલામાં ઉતારો ઓછો આવ્યો છે.
જ્યારે મરચીના પાકમાં વાયરસ અને રોગ આવી જતા માર્ચ મહિના સુધી મરચાના ખેતરમાં ઉપજ ચાલુ રહેતી હતી તેના બદલે બે મહિના પહેલા જ બધા ખેડૂતોએ ખેતરોમાંથી મરચાનો પાક કાઢી નાખ્યો હતો. શાઢાસાલ વિસ્તારમાં મોટાપાયે ખેતી નિષ્ફળ નિવળી છે.

