Gujarat

સી.જે. હોસ્પિટલના કર્મચારીઓએ અધિક કલેક્ટરની સમજાવટ આખરે બાદ વિરોધ કાર્યક્રમ મોકૂફ રાખ્યો

સુરેન્દ્રનગરની સી.જે. હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ પગાર વધારો સહિત માગણીઓ સાથે અધિક કલેક્ટરને મળ્યા હતા. જ્યાં અધિક કલેક્ટરે ટ્રસ્ટીઓ 10 દિવસમાં માગણીઓ પૂરી કરશે તેવું આશ્વાસન આપતા કર્મચારીઓએ વિરોધ કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો. સુરેન્દ્રનગર શહેરની સી.જે. હોસ્પિટલના કર્મચારીઓ અધિક કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમાં કર્મચારીઓને ઘણા સમયથી પગારનો પ્રશ્ન રહે છે

જ્યારે સાતમા પગાર પંચની માગ કરતા પગાર વધારો સહિતની માગણીઓ ટ્રસ્ટીઓ દ્વારા નહીં ઉકેલાતા વિરોધ અને દેખાવો કરવાની ચીમકી અપાઇ હતી. ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ધનરાજભાઇ કેલા કલેક્ટર કચેરીએ હાજર રહી જણાવ્યું કે હોસ્પિટલ ગરીબો માટે રાહતદરે સારવાર આપે છે. અમે છેલ્લા 10 મહિનાથી પચાસેક લાખ રૂપિયાનું ડોનેશન લાવીને કર્મચારીઓને પગાર આપ્યો છે.

ઉપરાંત ટ્રસ્ટીઓ અને સભ્યોએ પણ લાખ લાખ રૂપિયાનું ડોનેશન આપ્યુ છે. સંસ્થા વાર્ષિક 27 લાખ રૂપિયાની ખોટ કરતી હતી તેમાંથી અમે સંસ્થાને પગભર કરવા પ્રયત્ન કર્યા છે. ત્યારે કર્મચારીઓએ કૈલાશભાઇ મિયાવડા જણાવ્યું હતું કે અગાઉ 10 તારીખે રજૂઆત કરી હતી તે મામલે ગુરૂવારે અમને અધિક કલેક્ટર ઓઝાભાઇને રૂબરૂ મળ્યા અને 10 દિવસમાં મેનેજમેન્ટ તમારી માગણી સંતોષશે જો તેમ ન કરે તો અમારી પાસે આવજો હાલ અધિક કલેક્ટરના કહેવા મુજબ અમે આંદોલન 10 દિવસ માટે મોકૂફ રાખ્યું છે. ત્યારબાદ અમારી માગણીઓ નહીં સંતોષાય તો ફરી પ્રદર્શન કરીશું.