Gujarat

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી બાળકોનો મૃત્યુઆંક આઠ થયો

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસને કારણે જીવ ગુમાવનાર બાળકોની સંખ્યા મંગળવારે વધીને 8 થઈ છે. લુણાવાડા તથા હિંમતનગરમાં એક-એક બાળકનાં મોત થયાં હતાં. હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસની સારવાર અર્થે દાખલ કરાયેલ મેઘરજના ઢેકવાના ત્રણ વર્ષના બાળકે સોમવારે રાત્રે અગિયારેક વાગ્યાના સુમારે છેલ્લા શ્વાસ લેતાં બાળકોના મોતનો આંકડો છ સુધી પહોંચ્યો છે.

સારવાર લઈ રહેલાં બે બાળકો પૈકી હિંમતનગરના પીપળીયા ગામની બાળકીનો ચાંદીપુરા નેગેટિવ રિપોર્ટ આવ્યો છે જ્યારે રાજસ્થાનના એક બાળકનો પણ નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો છે. સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના 6 બાળ દર્દીઓ પૈકી ભિલોડાના મોટા કંથારીયાના બાળકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

જ્યારે અન્ય એક બાળકના નેગેટિવ રિપોર્ટ સિવાય બાકીના ચાર બાળકોના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. બીજી તરફ લુણાવાડાના જૂના રાબડિયા ગામની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરાથી મોત થયું છે. જયારે ગોધરાના કોટડા ગામની બાળકીને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો દેખાતા સારવાર અર્થે વડોદરા હોસ્પિટલ ખસેડાઇ છે.

આરોગ્યની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ કરીને દવાનો છંટકાવ શરૂ કરી દીધો છે. પંચમહાલમાં આરોગ્ય વિભાગની 300 ટીમો અલગ ગામમાં સર્વેલન્સની કામગીરી કરીને દવાનો છંટકાવ કરી રહ્યા હતા.

તે દરમ્યાન ગોધરા તાલુકાના કોટડા ગામે રહેતી 4 વર્ષીય બાળકીને 15 મીએ તાવ, ઉલટી અને ખેંચ આવતા તેને ગોધરા સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડાઇ હતી. આરોગ્ય વિભાગની તપાસમાં 4 વર્ષની બાળકીને ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા બાળકીના સીરમના સેમ્પલ લઇને પુના ખાતે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.