મહુધાના ખલાડી નજીક મોટરસાયકલ સ્લીપ ખાઈ જવાની ઘટનામાં પાછળ બેઠેલ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું છે. જ્યારે ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ બનાવ મામલે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મહુધા તાલુકાના સરદારપુરા કેનાલ પાસે અજય અશોકભાઈ ઝાલા રહે છે. તેઓ પોતે અમદાવાદના ઓઢવ ખાતે ખાનગી ડ્રાઈવીગની નોકરી કરે છે. અજયના પિતા અશોકભાઈ કાળાભાઈ ઝાલા પોતે ખેતીકામ કરે છે અને આ અશોકભાઈ તથા તેમની પત્ની કૈલાશબેન (ઉ.વ.48) સાથે મોટરસાયકલ પર બેસી ગતરોજ બપોરે ચકલાસી ગામે જતા હતા. મોટરસાયકલ અશોકભાઈ ચલાવતા હતા. મહુધાના ખલાડી પાસેથી પસાર થતા હતા ત્યારે અચાનક મોટરસાયકલ રોડ પર જએકાએક સ્લીપ ખાઈ ગયું હતું.
જેથી આ મોટરસાયકલ ચાલક અશોકભાઈ અને પાછળ બેઠેલ તેમની પત્ની કૈલાશબેન (ઉ.વ.48) બંને રોડ પર પટકાયા હતા. કૈલાશબેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના સરકારી દવાખાને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ મામલે અજય ઝાલાએ મોટરસાયકલ ચાલક પોતાના પિતા અશોકભાઈ ઝાલા સામે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

