Gujarat

સુપ્રસિદ્ધ જુંગીવારાના મંદિરે આજે આઠમો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના બેહ ગામ ખાતે સુપ્રસિદ્ધ વીર વછરાજ જુંગીવારા વાછરાભાઈનું મંદિર આવેલું છે જેના આજે આઠમા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે જુંગીવારા ધામ સમસ્ત બેહ ગામ દ્વારા ધ્વજા રોહણ,મહાયજ્ઞ, સંાસ્કૃતિક કાર્યક્રમ અને ગૌ શાળાના લાભાર્થે સંતવાણી-લોકડાયરાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગામના વડીલો,જય જુંગીવારા અન્નક્ષેત્ર ટ્રસ્ટના અગ્રણીઓનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન હાથ ધરાયું છે જુંગીવારા ધામે દર વર્ષે ઉજવાતા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં દેવભૂમિ સહિત સૌરાષ્ટ્રભરમાંથી વછરાજભક્તો દર્શનાર્થે ઉમટી પડશે.સંતો મહંતો તેમજ માતાજીઓ ઉપસ્થિત રહી આશીર્વાદ આપશે

વીર વછરાજ જુંગીવારા મંદિરનો ઈતિહાસ

આશરે પાંચસો વર્ષ પહેલાં બેહ ગામે જુંગી જંગલમાં અસુર (રાક્ષસ) રહેતો હતો જે લોકોને કનગડત કરતો હતો. એક વખત ગામમાં રહેલી કરમઈબાઈ નામની ચારણ દીકરી જંગલમાંથી ભાતું લઈ પસાર થતી હતી. ત્યારે આ અસુરે જંગલમાં કરમઈબાઈને રોકી તેની પર કુદ્રષ્ટિ કરી લાજ લેવાનો પ્રયાસ કરતા જ ચારણ દીકરી સાક્ષાત્કાર અંબા શક્તિનો અવતાર હોવાથી તેમણે વીર વાછરાનું સ્મરણ કરી ત્રણ સાદ કરતા જ વીર વછરાજ ઘોડે અસવાર થઈ પ્રગટ થતાં જ કરમઈબાઈનાં આદેશ અનુસાર અસુરને ત્યાંજ હણી નાખીને રક્ષા કરી હતી.

શક્તિનો અવતાર કરમઈબાઈ પ્રગટ થયેલા વછરાજને અહીં બેહ ગામે જ રહી ગામનું રક્ષણ કરવાનો કોલ લઈ ત્યાંજ કરમઇબાઇ સમાધિ રૂપે સમાઈ ગયા હતા. ત્યારથી જ વીર વછરાજ જુંગીવારા નામથી બેહ ગામે પ્રજ્વલિત થયેલ છે. એ પછી અનેક પરચા ગામ લોકોને વીર વછરાજે સાક્ષાત્કાર આપેલ છે.

વાર્ષિક પાટોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક પ્રસંગો

​​​​​​​પાટોત્સવ નિમિત્તે શુક્રવારે સવારે 7 કલાકે ધ્વજારોહણ, 9 વાગ્યે શાસ્ત્રીજી ચેતન મારાજ દ્વારા મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞ પ્રારંભ, બપોરે 12 કલાકે મહાપ્રસાદી સાંજે ચાર વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાત્રે 9 વાગ્યે ગૌ શાળાના લાભાર્થે ભવ્ય સંતવાણી-લોકડાયરાનું આયોજન કરાયું છે જેમાં કચ્છથી દેવરાજભાઈ ગઢવી તથા વિજયભાઈ ગઢવી તથા તૃપ્તિબેન ગઢવી દ્વારા સંતવાણીના સુર પાથરસે.