Gujarat

ભાણવડના આંબરડી ખાતે 105 લાખના ખર્ચે બનનારા ચાર પેટા આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન પ્રવાસન અને વન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરાયું

ભાણવડ તાલુકાના આંબરડી ગામે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ પેટા આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું હતું. આ ઉપરાંત પેટા આરોગ્ય કેન્દ્ર ઢેબર-2, પેટા આરોગ્ય કેન્દ્ર – કાટકોલા તથા સણખલાનું પણ પ્રતિકરૂપે ભૂમિપૂજન કર્યું હતું. અંદાજે રૂપિયા 104.69 લાખના ખર્ચે બનનારા સણખલા, કાટકોલા, આંબરડી તથા ઢેબર-2 ચારેય પેટા આરોગ્ય કેન્દ્રનું આંબરડી ખાતે બિલ્ડીંગના નિર્માણ બાદ દર્દીઓને આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહેશે.

આ અંગે પ્રવાસન અને વન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી જળવાઈ રહે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સતત પ્રવૃત્ત છે. છેવાડાના ગામડાઓમાં નાગરિકોને શિક્ષણ, રસ્તા, આરોગ્ય, પાણી જેવી પાયાની સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે વર્તમાન સરકાર કટિબદ્ધ છે. દેશમાં તમામ ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે તેમ મંત્રીએ જણાવી આરોગ્યના કર્મચારીઓ તથા ગ્રામજનોને શુભેચ્છા પાઠવી, ગ્રામજનોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા.

જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરીએ ચારેય પેટા આરોગ્ય કેન્દ્રની રૂપરેખા આપી હતી. અગ્રણી હમીરભાઈ કનારાએ જણાવ્યું હતું કે, ચારેય ગામમાં નવા પેટા આરોગ્ય કેન્દ્ર બનશે, જેથી આરોગ્યની સુખાકારી જળવાઈ રહેશે અને દર્દીઓને સ્થાનિક કક્ષાએ ઉત્તમ સારવાર અને સુવિધા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *