રાજકોટની સ્માર્ટ સિટી તરીકે ઓળખ ઊભી કરવાનાં દાવાઓ મનપા દ્વારા કરવામાં આવી રહ્યા છે. જોકે, આ દાવા સતત પોકળ સાબિત થઈ રહ્યા હોય તેમ સુવિધા વધારવાનું તો દૂર રોડ-રસ્તાનાં કામો પણ પુરા થયા નથી.
ત્યાં હવે તો શહેરના ફૂવારા ખંઢેર બન્યા હોવાનું સામે આવ્યું છે. આ પહેલા ભક્તિનગરનો બંધ ફૂવારો શરૂ કરવા પાલિકાને અનેક ફરિયાદ કરાઈ છતા રિપેર કરાયો નથી. ત્યાં નજીકમાં આવેલો સોરઠીયાવાડીનો ફૂવારો પણ બંધ થયો છે. સ્થાનિક આગેવાન દ્વારા આ અંગે કોલ સેન્ટરમાં ફરિયાદ કરવા છતાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી.
રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ, કોલસા વાડી, સ્વામિનારાયણ ચોક રેસકોર્સ સહિતના બંધ ફુવારાઓ અંગે સામાજિક સંસ્થાઓ દ્વારા આંદોલનો કરવામાં આવ્યા હતાં. સાથે જ થોકબંધ રજૂઆતો તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કરવામાં આવી હતી, તેમ છતાં રાજકોટ મહાનગરપાલિકાના નિંભર તંત્ર વાહકો દ્વારા ફુવારા શરૂ કરવામાં આવ્યા નથી.
રાજકોટ શહેરના મેયરના વોર્ડ નંબર 14ના લોક દરબારમાં ભક્તિનગર સર્કલનો ફુવારો શરૂ કરવા બાબતે વોર્ડના આગેવાનોએ રજૂઆતો કરી હતી, પરંતુ આજ સુધી ફુવારો શરૂ થયો નથી. ઊલટું સોરઠીયાવાડી સર્કલ નાનું કરવામાં આવતા ત્યાંનો ફુવારો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં સાફ-સફાઈના અભાવે ફુવારાની અંદર શેવાળ જામી ગઈ છે.

