Gujarat

ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કેન્દ્રનાં ધોરણે મોંઘવારી ભથ્થું આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી

તાજેતરમાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો જાહેર કરેલ છે. આ સાથે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 53 ટકા થઈ ગયું છે. જે સંદર્ભે ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે.
સદર માંગને અનુલક્ષીને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ રાજયનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે. જેમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ-2024 ની અસરથી મોંઘવારી ભથ્થાનાં દરમાં 3 ટકાનો વધારો કરી 50 ટકાથી 53 ટકા જાહેર કરેલ છે. પ્રવર્તમાન અસહ્ય મોંઘવારી તેમજ આવી રહેલ દિવાળીનાં તહેવારોને ધ્યાને લઈ રાજયનાં શિક્ષકો સહિત તમામ કર્મચારીઓને આપવામાં આવતાં મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2024 ની અસરથી 3 ટકા મોંઘવારી ભથ્થું વધારી આપી  53 ટકા કરવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોંઘવારીથી રાહત આપવા માટે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે, જેનાં અનુસંધાને દિવાળીનાં તહેવારોમાં શિક્ષકોમાં ખુશીની લાગણી છવાય તે માટેની અપેક્ષાઓ સાથે પત્રમાં નમ્રતા સહ આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે. રાજ્ય સંઘની આ રજૂઆતને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સહિત તાલુકા ઘટક સંઘ દ્વારા આવકારવામાં આવેલ છે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.