Gujarat

આર્થિક રીતે સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાનને કેવી રીતે મદદ કરી શકાય તે મામલે આઈએમએફ અસમંજસમાં

ખાડેગયેલ અર્થવ્યવસ્થા સુધારવા માટે પાકિસ્તાન હવાતિયાં મારી રહ્યું છે. આ મામલે આઈએમએફ સાથે નાણાંકીય સહાયની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ આઈએમએફ પણ આર્થિક રીતે સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાનને કેવી રીતે મદદ કરી શકાય તે મામલે અસમંજસમાં છે. આઈએમએફ નું પ્રતિનિધિમંડળ આવતા અઠવાડિયે નાણાંકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના અધિકારીઓને મળશે. અધિકારીઓએ રવિવારે કહ્યું કે આ સમયગાળા દરમિયાન બહેતર શાસન અને મજબૂત આર્થિક વૃદ્ધિનો પાયો નાખવા પર ચર્ચા કરવામાં આવશે.

ગયા મહિને, પાકિસ્તાને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે ત્રણ અબજ ડોલરનો સહાય કાર્યક્રમ પૂર્ણ કર્યો અને ડિફોલ્ટ શ્રેણીમાંથી બહાર આવી ગયું. ઈસ્લામાબાદે રાહત પેકેજની વિનંતી કર્યા બાદ વોશિંગ્ટન સ્થિત વૈશ્વિક ધિરાણકર્તાની એક ટીમ શુક્રવારે વાટાઘાટો માટે પાકિસ્તાન પહોંચી હતી.

આઈએમએફ એ નોંધ્યું છે કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પી એમ એલ – એન) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પી પી પી)ના ગઠબંધન દ્વારા ગઠબંધન સરકાર રચવામાં આવી હોવા છતાં, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પી ટી આઈ) દ્વારા સર્મથિત સ્વતંત્ર ઉમેદવારોને અન્ય કરતા વધુ મત મળ્યા હતા. તાજેતરમાં રચાયેલી સરકારે સ્ટેન્ડબાય વ્યવસ્થા નીતિઓ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે. જો કે, જટિલ રાજકીય પરિસ્થિતિ, ફુગાવો અને સામાજિક તણાવ પાકિસ્તાનમાં નીતિ સુધારાના અમલીકરણને અસર કરી શકે છે.

આઈએમએફ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે આર્થિક નીતિઓનો અમલ ન થવાથી અને બાહ્ય ધિરાણમાં ઘટાડો થવાથી લોન અને વિનિમય દરો પર દબાણ આવવાની શક્યતા છે. વધુમાં, જો બાહ્ય ધિરાણમાં વિલંબ થાય તો આંતરરાષ્ટ્રીય બેંકો પર પાકિસ્તાનની સરકારને લોન મંજૂર કરવા માટે દબાણ વધી શકે છે. આઈએમએફ એ ખાનગી ક્ષેત્ર માટે ધિરાણ ક્ષમતામાં વધુ ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે શિપિંગમાં વિક્ષેપ, કોમોડિટીના ભાવમાં વધઘટ અથવા કડક વૈશ્વિક નાણાકીય સ્થિતિ જેવા પરિબળો બાહ્ય સ્થિરતાને અસર કરશે.