ગાંધીનગરમાંથી 25 મી ઓક્ટોબરનાં રોજ વહેલી પરોઢિયે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રનિંગ અર્થે જવાનું કહીને ઘરેથી નીકળેલો સગીર ગુમ થઈ જતાં અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મામલે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી સેકટર – 21 પોલીસ સ્નેપચેટનાં માધ્યમથી છેક રાજસ્થાનથી સગીરને હેમખેમ પરત લઈ આવી છે.
જેની પૂછતાંછમાં પૈસા કમાવવા માટે ગૃહ ત્યાગ કર્યું હોવાનું બહાર આવ્યું છે. સગીરનું મુખ્યમંત્રીનાં હસ્તે ભૂતકાળમાં સન્માન પણ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં આવ્યું છે.
ગાંધીનગરના સેક્ટર – 23માં રહેતા પરિવારનો 16 વર્ષીય નાનો દીકરો સ્કૂલમાં ધોરણ – 12 માં અભ્યાસ કરે છે. ગત તા. 25 ઓક્ટોબરના પરિવારજનો ઘરે સૂઇ રહ્યા હતા. એ વખતે સગીર સવારના ચારેક વાગે જાગ્યો હતો. અને તેના પિતાને રનિંગ કરવા માટે જતો હોવાનું કહીને ઘરેથી મોબાઇલ લઈને નિકળ્યો હતો.
રાબેતા મુજબ તે સેકટર – 27 પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રનિંગ માટે જતો હતો અને સાડા પાંચેક વાગ્યાની આસપાસ પરત ઘરે આવી જતો હતો. જો કે, 25 ઓક્ટોબરે સવારના સાત વાગ્યા સુધી સગીર ઘરે પરત ફર્યો ન હતો.
દિવાળી ટાણે જ સગીર ભેદી રીતે ગુમ થઈ જતાં સેકટર – 21 પોલીસ મથકે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને મામલાની ગંભીરતા લઈ પીઆઈ પી આર ચૌધરીનાં નેતૃત્વમાં પીએસઆઇ નીકુલ મારુએ તપાસ શરૂ કરી હતી.

