ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષમાં 9,679 કરોડનું 87,650 કિલો ડ્રગ્સ પકડાયું છે. રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ રોકવા ગૃહ વિભાગ ‘અપ ટુ બોટમ અને બોટમ ટુ અપ’ સિસ્ટમથી કામ કરશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોમવારે જણાવ્યું હતું કે ડ્રગ્સના નાનામાં નાના કેસમાં પણ ઉપરી અધિકારીઓ ઝીણવટી તપાસ કરીને તેના જડમુળ સુધી પહોંચશે.
આટલું જ નહીં ડ્રગ્સના ધંધામાં ખૂબ જ પૈસા હોવાથી આ પૈસાનો ઉપયોગ નાર્કો ટેરરીઝમમાં થતો હોવાથી ડ્રગ્સનો ધંધો કરતા લોકોની મિલકતો ટાંચમાં લઈને તે પૈસા ગુજરાતના લોકોના વિકાસ પાછળ વાપરશે. ચાર વર્ષમાં ડ્રગ્સની હેરાફેરીમાં 2607 લોકો ઝડપાયા છે. હવે ડ્રગ્સ વિરુદ્ધ મોટાપાયે અભિયાન છેડાશે.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એન્ટી ડ્રગ્સ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યુ છે. જે વિશે વાત કરતા ડીજીપી વિકાસ સહાય એ જણાવ્યું હતું કે, 3 પ્રકારના ડ્રગ્સનું ચલણ છે. જેમાં નેચરલ, સેમી સિન્થેટીક અને સિન્થેટીક. આ તમામ ડ્રગ્સ અફીણ, ગાંજા અને કોકો પાઉડરમાંથી બને છે. જેમાં એમડી ડ્રગ્સ સિન્થેટીક ડ્રગ છે. 2023 ના એક રિપોર્ટ મુજબ દુનિયામાં 296 મીલીયન ડ્રગ યુઝર છે.
ડ્રગ્સ પકડનાર 105 પોલીસ જવાનોને 16 લાખ રિવોર્ડ અપાયા
ડ્રગ્સ પકડવા માટે એટીએસની ટીમ મધદરિયે તેમજ પાકિસ્તાન બોર્ડર સુધી જીવના જોખમે જાય છે. જેથી એટીએસની ટીમ માટે તેમજ ગુજરાતમાં પણ બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરવા માટે ગૃહ ખાતે એ રિવોર્ડ આપવાનું શરુ કર્યુ હતુ. જેના ભાગરૂપે ડ્રગ્સ પકડનારા 105 પોલીસ અધિકારી – કર્મચારીને રૂ.16 લાખનું રિવોર્ડ આપવામાં આવ્યુ છે. : હર્ષ સંઘવી, ગૃહ રાજ્ય મંત્રી

