Gujarat

ભરૂચના ગોલ્ડનબ્રિજે નર્મદા નદીની સપાટી 8 ફૂટ, મહત્તમ 15 થી 17 ફૂટ થવાની સંભાવના

અંકલેશ્વર તરફના 14 ગામમાં વધુ તકેદારી ગત વર્ષે નર્મદા નદીમાં આવેલાં પૂરની સૌથી વધારે અસર અંકલેશ્વર તાલુકામાં વર્તાઇ હતી. નદીથી 10 કીમી દૂર શહેર સુધી પૂરના પાણી ફરી વળ્યાં હતાં. અંકલેશ્વરના એસડીએમ, મામલતદાર તથા ટીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓએ સરફુદ્દીન, ખાલપીયા, જુના છાપરા, જુના કાશીયા, બોરભાઠા બેટ, સક્કરપોર, જુના પુન ગામ, બોરભાઠા, તરીયા, નવા ધંતુરીયા, જુના દીવા સહિતના 14 ગામોના લોકોને સાબદા રહેવા સૂચના આપી છે. અધિકારીઓએ આ વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી.

અંકલેશ્વર નર્મદા ડેમના 9 દરવાજા ખોલી 90 હજાર કયુસેક પાણી છોડવાનું શરૂ કરતાંની સાથે ભરૂચ અને અંકલેશ્વરવાસીઓના સ્મૃતિપટ પર સપ્ટેમ્બર-2023માં આવેલા ભયાવહ પૂરની યાદો તાજી થઇ ગઇ છે.

ગત વર્ષે એક જ રાતમાં 17 લાખ કયુસેકથી વધારે પાણી છોડાતા બંને શહેરો જળબંબાકાર બની ગયાં હતાં. ડેમ મહત્તમ સપાટીથી માત્ર 3.50 મીટર જેટલો બાકી રહી ગયો છે. ગત વર્ષે થયેલી હોનારતનું પુનરાવર્તન ન થાય તે માટે ચાલુ વર્ષે ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે. રવિવારે રાત્રિના 9 વાગ્યે ડેમની સપાટી 135.26 મીટરે પહોંચી હતી.