વાપીમાં જૂના રેલવે ગરનાળાની બંને બાજુ સૂચન બોર્ડ લગાવી જણાવવામાં આવ્યું છે કે, આ ગરનાળું વરસાદી નાળું છે જેથી આ સ્થળથી આવાગમન કરવું નહિ. જે અંગે રેલવે માસ્ટરને વાત કરતા રેલવે તરફથી આ બોર્ડ લગાવાયું નથી તેમ જણાવવામાં આવ્યું હતું.

વાપી જૂના રેલવે ગરનાળાની બંને બાજુ હિન્દીમાં એક સૂચન બોર્ડ લગાવવામાં આવ્યું છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે, ”યહ આમ રાસ્તા નહીં હૈ. યહ બરસાતી નાલા હૈ ઇસકા ઇસ્તમાલ આવાગમન કે લિયે ના કરે.” જેનો મતલબ સાફ છે કે આ નાળામાંથી અવર જવર કરવું નહીં. વર્ષોથી વાપી વાસીઓ આ ગરનાળામાંથી વાહન લઇને તેમજ ચાલીને પસાર થાય છે. તો અચાનક આ માર્ગ અવર જવર માટે નથી લખી તેને વરસાદી નાળું બતાવી દેવામાં આવ્યું છે. રેલવે માસ્ટરથી પૂછપરછ કરતા રેલવે તરફથી આ બોર્ડ લગાવવામાં આવ્યું નથી તેમ તેમણે જણાવ્યું હતું. તો આ બોર્ડ કોણે લગાવ્યું તે પણ તપાસનો વિષય છે. વંદે ભારતના બોર્ડ ઉપર જ નાળાને વરસાદી નાળા બતાવી સૂચન બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.

