CSR હેઠળ થઈ રહેલા કામમાં પણ લાલીયાવાડી ચલાવાતા લોકોમાં આશ્ચર્ય
ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતની હદમાં સેનીટેશન પાર્ક બનાવવા માટે પંચાયત દ્વારા ઝઘડિયા ચાર રસ્તાથી સેવાસદન વચ્ચે કલેકટરના હુકમથી જમીન ફાળવવામાં આવી હતી. સેનીટેશન પાર્કની કામગીરી શ્રી રામ ફાઉન્ડેશન તેમજ અલગ અલગ કંપની દ્વારા સીએસઆરની ગ્રાન્ટમાંથી કરવામાં આવી છે. જેનું કામ ફીડબેક ફાઉન્ડેશન દિલ્હી સંસ્થાએ અલગ અલગ એનજીઓ સાથે મળીને ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતની જે જગ્યામાં આ કામ કરી રહી છે. જેમાં ખુબ જ મોટા પાયે માટી પુરાણ કરીને આ પાર્કની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.
જો કે કમનસીબે સેનીટેશન પાર્કની કામગીરીમાં કથિત લાલીયાવાડી અને બેદરકારી થતા હાલમાં જ ભારે વરસાદથી પ્રોટેક્શન વોલ ધોવાઈ જવા સાથે તેના કામમાં ઠેર-ઠેર મોટી તિરાડો પડેલ દેખાઈ આવે છે. લાખો રૂપિયાના સીએસઆર ગ્રાન્ટના ખર્ચે બનાવેલા સેનીટેશન પાર્કના બાંધકામમાં કોઈ મજબૂતાઈ જણાતી નથી.
ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે, આ કામ શ્રીરામ ફાઉન્ડેશનની સીએસઆર ગ્રાન્ટ હેઠળ એક એનજીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને કલેકટરના હુકમથી ગ્રામ પંચાયતે જમીન પણ ફાળવવામાં આવી છે. કામ પૂર્ણ થયા બાદ જે તે એનજીઓ ગ્રામ પંચાયતને સેનિટેશન પાર્કની સોંપણી કરશે તેવી માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા ખાતે આ એવો સેનિટેશન પાર્ક બની રહ્યો છે કે, જેમાં શહેરનો તમામ પ્રકારના કચરાને અલગ-અલગ તારવી ખાતર બનાવાશે અને સુકા કચરાને રીસાઈકલ કરી પુન: ઉપયોગમાં લઈ શકાય એવી પ્રકારની કામગીરી થવાની છે. તેમ છતાં આ પ્રોજેક્ટના જવાબદાર અધિકારીઓ સેનિટેશન પાર્કની કન્સ્ટ્રક્શન કામગીરી બાબતે પહેલાથી બેદરકારી દાખવતા શંકા જન્માવે છે.