Gujarat

માવઠાથી કેસર કેરીની 10 કિલોની પેટીનો ભાવ હોલસેલ બજારમાં રૂ.800એ પહોંચ્યો, છૂટકમાં હજુ રૂ.1200થી 1600એ વેચાય છે

કમોસમી વરસાદના કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે. જેની અસર ભાવ પર પડી છે. નરોડા ફ્રૂટ માર્કેટમાં સારી ક્વોલિટીની કેસર કેરીનું જે બોક્સ રૂ.1 હજારથી 1200 વેચાતું હતું તેનો ભાવ માવઠા પછી રૂ.800 થઈ ગયો છે. આમ હોલસેલ બજારમાં ભાવમાં બોક્સે 30 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

માવઠા પહેલાં શહેરમાં રોજ કેસર કેરીની 10થી 12 ગાડીઓ આવતી હતી પરંતુ એ પછી રોજની 18થી 20 ગાડીની આવક થઈ છે. જેને કારણે હોલસેલ બજારમાં ભાવ ઘટ્યા છે. જો કે હજુ પણ છૂટક બજારમાં વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચે રૂ.1200થી 1600 ભાવે પેટી વેચી રહ્યા છે. જૂનાગઢ એપીએમસીમાં એક જ દિવસમાં કેસર કેરીના 23 હજાર બોકસની આવક થતાં ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

નરોડા ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીની પહેલા રોજની 10થી 12 ગાડી આવતી હતી પરંતુ માવઠા બાદ આ સંખ્યા 18થી 20 ગાડી પર પહોંચી ગઈ છે. જેના કારણે માવઠ પહેલા જે કેસર કેરીના 10 કિલોના બોકસનો ભાવ રૂ. 1000થી 1200 ચાલતો હતો તે રૂ. 800એ આવી ગયો છે. હોલસેલ બજારમાં ભાવમાં 30 ટકા જેટલો ઘટાડો નોંધાયો હોવાનું બજારના વેપારીઓ જણાવી રહ્યાં છે.

હોલસેલ બજારમાં જે રૂ. 800માં બોકસ વેચાય છે તેના છૂટક વેપારીઓ ગ્રાહકો પાસેથી રૂ. 1500 લઇ રહ્યાં છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં જૂનાગઢથી ડાયરેકટ કેસર કેરીનું વેચાણ કરવા આવનારા પણ ગ્રાહકો પાસેથી વધુ પૈસા લઈ રહ્યા છે.

ખેડૂતો ખરી પડેલી કેરી હાલમાં માર્કેટમાં ઠાલવે છે

તાજેતરમાં થયેલા માવઠાના કારણે કેરીના પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ ખરી પડેલી કેસર કેરીને બગડી જાય તે પહેલા માર્કેટમાં મોકલવાનું શરૂ કર્યું છે. જેના કારણે નરોડા ફ્રૂટ માર્કેટમાં રોજની 10થી 12 ગાડીઓ કેસર કેરીની આવતી હતી તેમાં વધારો થઇને 20 થઇ ગઇ છે. જેના કારણે સારી કેસર કેરીના 10 કિલોના બોકસના રૂ.800 થઇ ગયા છે.

આફૂસની આવકમાં 10થી 15 ટકાનો ઘટાડો થયો છે. રોજની 4થી 5 ગાડીઓ હાલમાં આવે છે. જેની સાથે અત્યારે આંધ્રા, કર્ણાટકા, કેરળ, તમિલનાડુથી આફૂસ, પાયરી, સુંદરી બદામ, તોતાપુરીની આવક થાય છે. આ કેરીઓના ભાવમાં પણ 15 ટકાનો ઘટાડો થયો છે. > લછુભાઇ રોહેરા, ચેરમેન નરોડા ફ્રૂટ માર્કેટ

કેસર કેરીનો 10કિલોનો ભાવ

હોલસેલમાં ભાવ રૂ. 800

છૂટક ભાવ રૂ. 1200થી 1500