આગામી લોકસભા ચૂંટણીમાં યુવા મતદારોની સહભાગીદારી વધારવા માટે ચૂંટણી પંચ દ્વારા ઉચ્ચ શૈક્ષિણક સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. રાજ્યની તમામ કોલેજમાં, ચૂંટણી પંચની સૂચના અનુસાર યુવા મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની પૂર્વ તૈયારીના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લામાં આવેલા તમામ કોલેજ, યુનિવર્સિટી, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા યુવા મતદારોની ચૂંટણીમાં સહભાગીદારી વધારવા તેમજ તેઓના ઘર પરિવાર અને મિત્ર વર્તુળમાં મતદાન, મતદાર સબંધિત મતદાર યાદીમાં નામ નોંધણી, મારો મત મારો અધિકાર, અવશ્ય મતદાન કરવું અંગે જાગૃતિ આવે તે હેતુથી કેમ્પસ એમ્બેસેડર્સની આગેવાનીમાં મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
વિવિધ જગ્યાએ કાર્યક્રમનું આયોજન
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી. એ.શાહના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર જિલ્લામાં સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્વીપ કોર્ડીનેટર અને જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.સુધીર જોષીએ જણાવ્યું કે, જિલ્લા ચૂંટણી તંત્ર અને એમ.એસ.યુનિ.ના સંયુક્ત ઉપક્રમે તા.29 ફેબ્રુઆરીથી તા.9 માર્ચ સુધી યુનિવર્સિટીની વિવિધ વિદ્યા શાખાઓમાં યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાશે. તા.29ના રોજ આર્ટસ ફેકલ્ટી, તા.1લી માર્ચના રોજ લૉ ફેકલ્ટી, તા.2ના રોજ કૉમ્યુનિટી સાયન્સ ફેકલ્ટી, તા.4ના રોજ પત્રકારિતા વિભાગ, તા.5 ના રોજ સમાજ કરી વિભાગ અને તા.9 માર્ચના રોજ બી.બી.એ અને કોમર્સ ફેકલ્ટી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન જે તે વિધાનસભા મતવિભાગના ERO/AERO ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપશે.