સમગ્ર વિશ્વમાં જાણીતા અને એશીયાની સૌથી રીફાયનરી રીલાયન્સ ઈન્ડીસ્ટ્રીઝનાં મુકેશભાઈ અંબાણી તથા નીતાબેન મુકેશભાઈ અંબાણીનાં સુપુત્ર ચિ. અનંતનાં શુભલગ્ન શાઈલા વિરેનભાઈ મરચન્ટ તથા વિરેનભાઈ મરચન્ટની સુપુત્રી ચિ. રાધિકા સાથે બુધવાર તા. 29 ફેબ્રુઆરી 2024ના શુભદિને જામનગરના મોટીખાવડી ગામ ખાતે આવેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં થવા જઈ રહ્યા છે. ત્યારે નવદંપતીને વૃધ્ધાશ્રમનાં વડીલોનાં આશીર્વાદ પ્રાપ્ત થાય તેવા શુભઆશયથી સદભાવના વૃધ્ધાશ્રમનાં 550 જેટલા વડીલ માવતરોને ભવ્યાતી ભવ્ય ભોજન સમારંભનું આયોજન કરાયું છે. જેના અંતર્ગત સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ ખાતે જ વડીલોને શ્રેષ્ઠત્તમ ભોજન માટેનું અનુદાન રીલાયન્સ પરિવાર મોકલશે.
વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરિયાત તો છે. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યક્તિઓ નિરાધાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 8 વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના નિ:સંતાન, નિરાધાર, પથારીવશ જરૂરિયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરિયાતમંદ વૃધ્ધ વ્યક્તિઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે.
ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 550 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહ્યાં છે. તેમાંથી 180 વડીલો પથારીવશ (ડાઇપર વાળા) છે. સાવ પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળું પણ કોઈ ન હોય, એકલવાયી-નિરાધાર હાલતમાં પોતાનુ જીવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબે પ્રાર્થના કરતા હોય તેવા વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં), કેન્સરગ્રસ્ત નિ:સંતાન વડીલો માટે સદભાવના વૃધ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આવા નિ:સંતાન, પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં)ને પણ સદભાવના વૃધ્ધાશ્રમ પોતાની ફરજનાં ભાગરૂપે નિઃશુલ્ક આશ્રય અપાઈ રહ્યો છે.