દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાથી બેટ દ્વારકાને જમીન માર્ગે જોડતા લગભગ 962 કરોડથી વધુના ખર્ચે નિર્મિત પાંચેક માસ પૂર્વે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાપર્ણ થયું હતું, તે સુદર્શન સેતુ બ્રિજના રોડ પર રીતસર સળિયા દેખાય તેવો ખાડો પડતા ગુણવત્તામાં પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવા ઘાટ સર્જાયો હોવાનુ સામે આવ્યુ છે.
ઓખા-બેટ દ્વારકાને જમીન માર્ગે જોડતા લગભગ 7 વર્ષ સુધી નિર્માણ કાર્ય બાદ સંપન્ન થયેલા સુદર્શન સેતુ સિગ્નેચર બ્રિજની પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી હકીકતો બહાર આવી છે. પાંચેક માસમાં જ તેની ગુણવતા સામે પ્રશ્નાર્થે સર્જે તેવા તસ્વીરી પુરાવાઓ જાહેર થયા છે. સમુદ્ર વચ્ચે ઘેરાયેલા યાત્રાધામ બેટ દ્વારકાને જમીન માર્ગે જોડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આશરે 2320 મીટર લાંબા અને 27 મીટર પહોળા આ બ્રિજનું 7મી ઓક્ટોબર, 2017ના રોજ ભૂમિપૂજન કરાયું હતું.
દેશનો પ્રથમ લાંબો કેબલ બ્રિજ હોઈ, વિદેશોમાં ખ્યાતી પામે તે માટે અંગ્રેજી નામ સિગ્નેચર બ્રિજ રાખવામાં આવ્યું હતં, જેનુ ગત 25 ફેબ્રુઆરીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાપર્ણ થયું હતું. સાથે જ તેનું નામ સુદર્શન સેતુ રાખવામાં આવ્યું હતું. પાંચેમ માસ પહેલાં લોકાર્પિત થયેલા સુદર્શન સેતુના રોડ પર ખાડો પડ્યો હોવાનું તેમજ સળિયા પણ સ્પષ્ટપણે દેખાતા હોવાનું સામે આવ્યુ હતુ.
જે કથિત નબળા કામને ઢાંકવા માટે રોડ પર તાકિદે સમારકામ કરાઇ રહ્યુ હોવાની તસ્વીરો પણ સામે આવી છે.અગાઉ પણ સામાન્ય વરસાદમાં પાર્કિગની દિવાલનો કેટલોક હિસ્સો પણ ધરાશાયી થયાનો બનાવ સામે આવ્યો હતો. આ કામની ગુણવતાં ચેક કરવાનું કથિત નાટક કરી આ બ્રિજનું કામ ચાલુ રાખી પૂર્ણ કરવામાં આવ્યા બાદ અધુરા કામ સાથે તેનું લોકાર્પણ પણ કરી નાખવામાં આવ્યા બાદ લગભગ પાંચેક માસમાં જ તેની ગુણવતા સામે પણ પ્રશ્નો ખડા કરતી ચર્ચાઓ સ્થાનિક લોકોમાં વહેતી થઇ છે.

