મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશના મુદ્દે વિવાદ વકર્યો હતો. પ્રવેશ ન મળતાં વિદ્યાર્થી અને વાલીઓએ હલ્લાબોલ કર્યું હતું. વિદ્યાર્થીઓએ પ્રવેશના મુદ્દે કોમર્સ ડીનનો ઘેરાવો કરીને ધક્કે ચડાવ્યા હતા, જેને પગલે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. 4 વિદ્યાર્થી આગેવાનોની પોલીસે અટકાયત પણ કરી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું, યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો એ અમારો હક છે.
રાજ્ય સરકાર દ્વારા કોમન એક્ટ દાખલ કર્યા બાદ એમ.એસ.યુનિવર્સિટીની સ્વયતત્તા છીનવી લેવામાં આવી છે, જેની અસર હવે દેખાઇ રહી છે. કોમન પ્રવેશ પ્રક્રિયાના માધ્યમથી સરકાર દ્વારા પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી હતી.
જેમાં એફવાય બીકોમના વિદ્યાર્થીની પ્રવેશ યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીને 75 ટકા જનરલ પર પ્રવેશ અટકાવી દેવામાં આવતાં ભારે વિવાદ થયો છે.
મેરિટ લિસ્ટ જાહેર થવાના બીજા દિવસે વિદ્યાર્થી આગેવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં કોમર્સ મેઇન બિલ્ડિંગ ખાતે ડીનને રજૂઆતો કરવા પહોંચી ગયા હતા. જ્યાં વિદ્યાર્થી આગેવાનોએ ઉગ્ર રજૂઆતો કરી હતી.
બાદમાં ડીન ત્યાંથી સાયન્સ ફેકલ્ટી ખાતે કોમન એડમિશન પ્રક્રિયાની ટ્રેિનંગ માટે પહોંચ્યા હતા. જ્યાં યુનિવર્સિટીના વિદ્યાર્થી આગેવાનો અને વાલીઓ પહોંચી જઇને ડીનનો ઘેરાવો કર્યો હતો.
કોમર્સ ડીન કેતન ઉપાધ્યાયને બેઠકો વધારવા માટે અને બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા રજૂઆતો કરવામાં આવી હતી. એક તબક્કે ઉગ્ર બોલાચાલી થતાં વિવાદ વધી ગયો હતો અને વિદ્યાર્થી આગેવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા ફેકલ્ટી ડીનને ધક્કે ચડાવાયા હતા. પોલીસ દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કરાતાં તેમની સાથે પણ ઘર્ષણ થયું હતું.
પોલીસે એનએસયુઆઇ પ્રમુખ અમર વાઘેલા, નિખિલ સોલંકી તથા 2 વિદ્યાર્થી આગેવાનો મળીને કુલ 4 વિદ્યાર્થી નેતાઓની અટકાયત કરી હતી. કોમર્સ ફેકલ્ટીમાં પહેલાં દર વર્ષે 8 હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતો હતો. 50 ટકા સુધીના જનરલના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવામાં આવ્યો છે.
જોકે ગત વર્ષે અચાનક જ એફવાયની બેઠકો ઘટાડીને 5800 કરી નાખી હતી. બેઠકો ઘટાડવા સામે વિરોધ પણ થયો હતો, પરંતુ સત્તાધીશોએ આ વિરોધને ગણકાર્યો નહોતો. જેનાં પરિણામે કોમર્સની બેઠકો ઘટી ગઇ હતી અને હવે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ જ પ્રવેશથી વંચિત રહી ગયા છે.

