Gujarat

ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચો જશે; રાજકોટમાં યલો એલર્ટ જાહેર, અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી પહોંચવાની શક્યતા

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત રાજ્યમાં સતત ચાર દિવસથી વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીથી રાહત મળી હતી. હવે રાજ્યનું આકાશ સાફ થતાં ફરી એકવાર સૂર્યનાં સીધાં કિરણો જમીન પર પડતા શહેરીજનોને ગરમીમાં શેકાવું પડશે. આજે 16 એપ્રિલથી ગુજરાતભરમાં તાપમાનનો વધારો થવાનો છે. ત્યારે રાજકોટ મનપા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતાઓ છે. આજથી રાજ્યભરમાં અકળાવતી ગરમી પડવાની શક્યતાઓ છે.

3:00 વાગ્યા બાદ તાપમાન વધુ રહેશે

આજરોજ સવારના 11:00 વાગ્યા સુધી શહેરના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયાં વાદળો જોવા મળ્યાં હતાં. ત્યારબાદ ધીમેધીમે તાપમાનનો પારો વધતા વાદળો હટતા આકાશ સાફ થયું હતું. તાપમાન સાંજના 7:00 વાગ્યા સુધી તેના ઉચ્ચ સ્થાન પર રહેશે, ત્યારબાદ ધીમેધીમે ઘટાડો થશે. આજે સવારના 11:00 વાગ્યાથી જ 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શરૂઆત થઇ જશે. ત્યારબાદ બપોરના 3:00 વાગ્યા બાદ તાપમાનનો પારો તેના ઉચ્ચ સ્થાન પર પહોંચી બપોરે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અનુભવી શકે છે. તથા શહેરીજનોને બપોરના સમય વાહન ચલાવતી વખતે ગરમ પવનો પણ એહસાસ થઇ શકે છે. તેથી લૂ લાગવા જેવી ઘટનાથી બચવા માટે સતત પ્રવાહીનું સેવન કરતા રહેવું હિતાવહ રહેશે.

હવામાન વિભાગે કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી.

 

રાજકોટ માનપા દ્વારા યલો એલર્ટ જાહેર

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી તાપમાન સતત વધી રહ્યું છે. હાલ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થતાં જ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે. તેમજ આરોગ્ય અધિકારી દ્વારા હીટવેવથી બચવા માટેનાં સૂચનો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં લોકોને તડકામાં બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા જણાવાયું છે. તેમજ કોઈપણ પ્રકારની તબિયત બગડે તો તરત જ મનપાનાં આરોગ્ય કેન્દ્રો અને સિવિલ ખાતે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

લોકોએ સાવચેતી રાખવી જરૂરીઃ ડો. જયેશ વાકાણી

મનપાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીના જણાવ્યા મુજબ, રાજકોટની ગરમી રાજ્યમાં સૌથી વધુ રહે છે. જેના કારણે હીટવવે-કાળઝાળ ગરમીથી લોકોને શરીરના તાપમાનમાં વધારો થવો, ગભરામણ થવી, ઊલટી-ઉબકા થવા, પરસેવો બંધ થવો અને કેટલાક કિસ્સામાં બેભાન થવાના કિસ્સા બની રહ્યા છે. જેનાથી બચવા લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, લોકોએ બપોરે બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ઘરની બહાર નીકળવાનું ટાળી, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. કોટનનાં વસ્ત્રોથી શરીર ઢાંકેલું રાખી તડકમાં જવાનું થાય તો છત્રી અને ટોપીનો ઉપયોગ કરવો જોઈએ.

‘હીટવેવથી બચવા પ્રવાહી પીવાનું રાખવું’

વધુમાં તેમણે જણાવ્યું કે, હાલ મનપા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે તડકાથી-હીટવેવથી બચવા માટેના ઉપાયોમાં મુસાફરી કરતી વખતે પીવાનું પાણી સાથે રાખવું. ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરો. લીંબુ પાણી, છાસ, લસ્સી જેવાં ઘરે બનાવેલાં પીણાનું સેવન કરો. મોસમી ફળો અને શાકભાજી ખાઓ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય તેવા તરબૂચ, ટેટી, નારંગી, દ્રાક્ષ, અનાનસ, કાકડી વગેરે ખાવાનું રાખો.

‘બ્લડ પ્રેશરના દર્દીને ગરમીમાં વધુ જોખમ’

આ ઉપરાંત મહત્તમ શરીર ઢંકાય તેવાં પાતળાં, ઢીલાં, વજનમાં હલકાં, હળવા રંગનાં સુતરાઉ વસ્ત્રો પહેરો, માથું ઢાંકેલું રાખવું, તડકામાં બહાર જતી વખતે બૂટ-ચંપલ પહેરો. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે ગરમી અને ગરમીને સંબંધિત બીમારીથી પીડાઈ શકે છે. તેમાં પણ શિશુ, બાળકો, સગર્ભા, બહાર કામ કરતા લોકો, માનસિક બીમાર લોકો, હૃદય રોગ અથવા હાઈ બ્લડ પ્રેશર ધરાવનારા લોકોને ગરમીના સમયમાં વધુ જોખમ રહે છે. જેથી આવા લોકોની વિશેષ કાળજી રાખવી જરૂરી છે.

‘પાર્ક વાહનોમાં બાળકો-પાલતુ પ્રાણીઓને ન છોડો’

બપોરે બહાર જવાનું થાય તો શ્રમકારી પ્રવૃત્તિ ટાળો. સૌથી ગરમ સમયમાં રસોઈ કરવાનું ટાળો. આલ્કોહોલ, ચા, કોફી, કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિક્સ, મોટી માત્રામાં ખાંડવાળાં પીણાં પીવાનું બંધ કરો. આવાં પીણાં વાસ્તવમાં શરીરને વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે અથવા પેટમાં ખેંચાણ થઈ શકે. ઉચ્ચ પ્રોટીનવાળો ખોરાક ખાવાનું ટાળો, વાસી ખોરાક ન ખાઓ. પાર્ક કરેલાં વાહનોમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને ન છોડો. કારણ કે, વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે. જો કોઈ જગ્યાએ તમને હીટવેવનો ભોગ બનેલી વ્યક્તિ દેખાય તો દર્દીને ઠંડી જગ્યાએ ખસેડો. ત્વચાના મોટા ભાગમાં અથવા કપડાં પર ઠંડું પાણી લગાવવું. શક્ય તેટલો પવન નાખી ઓઆરએસનું દ્રાવણ અથવા લીંબુ પાણી આપવું જરૂરી છે.

તડકાથી બચવા છત્રીનો ઉપયોગ હિતાવહ.