ડભોઈ વડોદરા માર્ગ પર અંબાવ ગામ નજીક લીંબુ ભરેલી ટ્રકનું આગળનું ટાયર ફાટતાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં મોટી ટ્રક રોડ પર પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. ટાયર સહિત ગાડીના અમુક સ્પેર પાર્ટ રોડ પર ફંગોળાયા હતા. જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઇ ન હતી. હૈદરાબાદથી લીંબુ ભરી નંદાસણ જતી કર્ણાટકની ટ્રક જે ડભોઈ વડોદરા એસઓયુ માર્ગ અંબાવ ગામ નજીકથી વહેલી સવારે પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક તેનું આગળનું ટાયર ફાટતાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ગાડી રોડ પર પલટી મારી ગઈ હતી. જેને લઇ રોડ ચોકપ થઈ જતાં અન્ય વાહન ચાલકોને ડાયવર્ઝન મારવાની ફરજ પડી હતી. ડ્રાઇવર દ્વારા નજીકના ટ્રાન્સપોર્ટરને જાણ કરતાં તાત્કાલિક ગાડીનો માલ રીફર કરાવી અકસ્માત થયેલ ટ્રકને ક્રેનની મદદથી સાઇડ પર કરી રોડને ખુલ્લો કરાયો હતો. જ્યારે ડ્રાઈવરની પૂછતાછ કરતાં અકસ્માતે પાંચથી છ લાખનું નુકસાન થયાનું જણાવ્યું હતું. જોકે કોઇ જાનહાનિ થઈ નથી તેમ જાણવા મળ્યું હતું.