દેવભૂમિના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં ધીરે ધીરે ઉનાળાનો પગરવ થઇ રહયો છે ત્યારે પાલિકા દ્વારા શહેરમાં હાલ એકાંતરા 40થી 50 મિનિટ પાણી વિતરણ થઇ રહ્યુ છે.હાલ એકંદરે પાણીની સ્થિતિ સારી છે.ખંભાળીયામાં ઘી ડેમમાં હાલ 8 ફૂટ જેટલો પાણીનો સંગ્રહ હોય,ફૂલવાડીમાં બોર-હેડ વર્કસ મારફત શહેરમાં પાણી આપવામાં આવી રહ્યું છે.
ત્યારે પાલિકા તંત્ર દ્વારા જાણવા મળતી વિગત મુજબ શહેરને હાલ એકાંતરે પાણી આપવામાં આવી રહ્યું છે. જે મેં મહિના સુધી ઘી ડેમ અને સ્થાનિક સોર્સ દ્વારા પાણી આપવામાંઆવી રહ્યું છે. હાલ પૂરતી પાણી પ્રશ્ન અંગે કોઈ ફરિયાદ ઉઠવા પામી નથી મેં પછી નર્મદાનું પાણી વિતરણ કરવામાં આવશે.
આમ ખંભાળીયા પાલિકા વિસ્તારમાં હાલ આ સિઝન ચાલે તેટલું પાણી પૂરતું મળી રહે તેવી વ્યવસ્થા જોવા મળી રહી છે. શહેરમાં 9500 નળ કનેક્શન છે અને દર વર્ષે 200થીવધુ નવા કનેક્શન માટે અરજી આવતી જોકે શહેરને લગત ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં પાણી વિતરણ માટે કેટલાક વિસ્તારમાં નળ કનેક્શનની ખાસ કોઈ સુવિધા ના હોવાથી કેટલાક વિસ્તારોમાં પૂરતું પાણી ન મળતું હોવાની બુમરાળ ઉઠતી જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકંદરે હાલ પાણી જૂન મહિના સુધી સારી હોવાનું જાણવા મળેલ છે.
ખંભાળીયા સહિત જિલ્લામાં કેટલાક વિસ્તારમાં મેથી જૂન મહિના સુધી પાણી સ્થાનિક સોર્સ અને ડેમોમાંથી મળી રહેશે. તેવો દાવો કરાયો છે.ત્યારબાદ આખો દ્વારકા જિલ્લો નર્મદાના પાણી પર આધારિત થઈ જાય છે. ત્યારે પાણી વિતરણને અસર પહોંચે છે.
જોકે, છેવડા વિસ્તારના હજુ કેટલાક ગામડાઓ અને વિસ્તારો છે તેમાં નથી પાલિકા તંત્ર કે ગ્રામ પંચાયતો પાણી પહોંચાડી શક્તી,સ્થાનિક લોકો કુવા, બોર અને સ્થાનિક સોર્સમાંથી મુશ્કેલ પરિસ્થિતિએ ઉનાળામાં પાણી મેળવે છે ખાસ કરીને જે માલધારી વર્ગ છે તેના માટે આ દિવસો પાણીને લઈને ભારે કપરા જોવા મળે છે.
દેવભૂમિના 170 ગામ-4 શહેરમાં 54 એમએલડી પાણી વિતરણ
દ્વારકા જિલ્લામાં 54 MLD પાણીની જરૂરિયાત છે તેની સામે 40થી 42 MLD પાણી નર્મદામાંથી મેળવવામાં આવે છે. અને 12.5 MLD પાણી ઘી ડેમ, વર્તુળ ડેમ અને ભીમગજા તળાવમાંથી પાણી મેળવવામાં આવે છે.દ્વારકા જિલ્લામાં 170 ગામો અને ભાણવડ, રાવલ, દ્વારકા અને ઓખા વિસ્તારમાં પાણી આપવામાં આવે છે.
દ્વારકા જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત 115529 નળ કનેકશનો આપવામાં આવ્યા છે. હાલ જિલ્લામાં કલ્યાણપુરના મોટા આસોટા, હાબરડી અને નાના આસોટામાં પાણીના ટેન્કર શરૂ કરવામાં આવ્યા છે. હાલ કોઈ પાણીને લગતી ફરિયાદો સામે આવી નથી.
પાણીની ભાવિ યોજના
ખંભાળીયા ગ્રુપ સુધારણા અને ઘી જૂથ સુધારણા યોજના અમલમાં લેવામાં આવશે જેમાં 30 કી.મી. જૂની પાણી લાઈનો છે તે સુધારણા અને નવી પાણીની લાઈનો નાખવાની આયોજન છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 100 LPCD અને શહેરમાં 140 LPCD પાણી મળી રહે તે કામો પ્રગતિમાં છે.

