જસદણના લાતીપ્લોટને જોડતા બ્રિજ પરથી વાહનોની આવાગમન પાલિકા દ્વારા ફરીવાર સદંતર બંધ કરી દેવામાં આવી હતી અને વાહનચાલકોને ડાઈવર્ટ રૂટ પરથી જવાનું રહેશે તેવું જાહેરનામું જસદણ પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટએ બહાર પાડ્યું હતું. તેમ છતાં અમુક લોકો દ્વારા આ બ્રિજને ખુલ્લો કરી રાહદારીઓ અને વાહનચાલકોનું આવાગમન ફરીથી ચાલુ કરી દેતા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.
છતાં પોલીસ તંત્ર દ્વારા કલેકટરના જાહેરનામાનો ભંગ કરનારાઓ વિરુધ્ધ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી ન હતી અને આ અંગે વારંવાર દિવ્ય ભાસ્કરે તંત્રનું ધ્યાન પણ દોર્યું હતું. આથી પાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખ, બાંધકામ શાખાના મુકુલભાઈ મહેતા સહિતના સ્ટાફે કાળિયા બ્રિજ પર અવરજવર ન થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે.
પોલીસની બેદરકારીના લીધે આ બ્રિજ હવે કેટલા દિવસ બંધ રહેશે તે જોવાનું રહ્યું! બીજી તરફ જસદણના લાતીપ્લોટને જોડતા પુલને બંધ કરી દેવામાં આવતા નગરજનોને બજારમાં ખરીદી કરવા માટે જવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, આથી રાહદારીઓ માટે આ પુલ પરથી અવરજવર શરૂ રાખવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે. નગર પાલિકાએ ફરીથી પુલ પર અવરજવર બંધ થાય તે માટે બન્ને તરફ આડશ મૂકવા સહિતની કામગીરી કરી હતી.

