Gujarat

ચોમાસાના વરસાદી પાણીનો ગેરલાભ ઉઠાવી ભરૂચ જિલ્લાના કેમિકલ માફિયા દ્રારા આ સિલસિલો ચાલુ રહ્યો છે

ઔદ્યોગિક એકમો અનેકવિધ પ્રકારના કેમિકલ કચરાનો નીકાલ કરતા જળ, જમીન, વાયુ પ્રદૂષણ ની માત્રામાં ઉત્તરોત્તર વધારો.
શું ભરૂચ જિલ્લો કેમિકલ બોમ્બ પર બેઠો છે? કેમિકલ માફિયાઓ દ્વારા જળ ,જમીન અને વાયુ પ્રદુષણ બિન્દાસ ફેલાવી રહ્યા છે..
* વિલાયત ગામ નજીકથી વહેતી ભૂખી ખાડીમાં અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી,ખાડીમાં કેમિકલ છોડાયુ હોવાની આશંકા
* ચોમાસાનો ગેરલાભ ઉઠાવીને વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા જળ, જમીન, વાયુ પ્રદૂષણ કરીને જાહેર આરોગ્ય અને ખેતી, મત્સ્ય ઉદ્યોગ ને નુકશાન તેમજ પર્યાવરણને ભારે અસર પહોંચાદાતી હોય માનવ સુખકારી ને સ્પર્શતી બાબતો પર ગંભીર  ચિંતાનો વિષય..
* પિરામણ તળાવમાં પણ હાલમાં આવી ઘટના બની હતી અને અનેક માછલીઓના મૃત્યુ થયા હતા.
વાગરા તાલુકાના વિલાયત ગામમાંથી પસાર થતી ભૂખી ખાડીમાં ઔદ્યોગિક એકમ દ્વારા કેમિકલ વેસ્ટ પાણી છોડાતા  અસંખ્ય માછલીઓના મૃત્યુ થતા ખેડૂતો તેમજ સ્થાનિક નાગરિકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.બનાવને પગલે GPCB સહિત પંચાયતના સત્તાવાળા સ્થળ પર દોડી આવી જરૂરી કાર્યવાહી આરંભી હતી.
વાગરા માં આવેલ વિલાયત જીઆઈડીસીમાં મોટા કેમિકલ ઉદ્યોગો કાર્યરત છે.અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓના સમાચાર ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થતા રહે છે.આજરોજ આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીના પાછળ અને વિલાયત ગામમાંથી વહેતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે મૃત માછલીઓ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.માછલીઓના મૃત્યુ કેમિકલયુક્ત પ્રવાહી છોડવાથી થયુ હોવાની બૂમો ઉઠતા આદિત્ય બિરલા ગ્રાસિમ સહિતની વિલાયત GIDC માં કાર્યરત કંપનીઓ સામે શંકાના વાદળો ઘેરાયા છે.
ખાસ એક જાણીતી કંપની સૌથી સમીપ હોવાથી વરસાદી પાણીની આડમાં કેમિકલ છોડાયુ હોવાથી જળચર પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.આ ઘટનાને લઈને વિલાયત ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિત ગામ આગેવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
સૌ પ્રથમ ગ્રામ પંચાયતના લેટર પેડ પર વાગરા મામલતદારને સંબોધી આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. તો બીજી તરફ જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવતા જીપીસીબીના કર્મચારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ખાડીમાંથી પાણીના નમુના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.
જો કે જળચર પ્રાણીઓના મોત ક્યાં કારણસર થયા અને કઈ કંપની દ્વારા આ શંકાસ્પદ પ્રવાહી છોડવામાં આવ્યુ તે રિપોર્ટ આવ્યા બાદજ સ્પષ્ટ થશે.તો બીજી તરફ પર્યાવરણને ભારે નુકશાન થતુ હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.સલામતીના ભાગરૂપે વિલાયત ગ્રામ પંચાયતના સત્તાધીશો ગામમાં રિક્ષા ફેરવીને લાઉડ સ્પીકરના માધ્યમથી ભૂખી ખાડીમાંથી પકડેલ માછલીઓને વેચવા તેમજ આરોગવાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી.
વિરલ ગોહિલ, ભરૂચ