Gujarat

બમ બમ ભોલેના નાદ સાથે રાજકોટમાં પાલખીયાત્રામાં હજારો ભક્ત જોડાયા, ભસ્મરાસે આકર્ષણ જમાવ્યું

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ઠેર-ઠેર દેવોના દેવ મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે. રાજકોટના રસ્તા ઉપર 145 વર્ષ જૂના પૌરાણિક કામનાથ મહાદેવના 75માં પાટોત્સવ દિવસ નિમિત્તે વરણાગી નીકળી હતી, જેમાં ભસ્મરાસ સાથે રાજકોટના રસ્તાઓ બમ બમ ભોલેના નાદ સાથે ગુંજી ઊઠ્યા હતા.

આ યાત્રામાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ જોડાયા હતા. રાજકોટમાં 145 વર્ષ જૂના પૌરાણિક કામનાથ મહાદેવના 75મા પાટોત્સવ નિમિત્તે દાદાની વરણાગી કાઢવામાં આવી હતી. કામનાથ મહાદેવની 100મી પાલખીયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ જોડાયા હતા અને ખાસ પૂજા-અર્ચના કરી હતી. યાત્રાના રૂટ પર દરેક જગ્યાએ હર હર મહાદેવના નાદ ગુંજી ઊઠ્યા હતા.

સંવત 2080, શ્રાવણ સુદ-10, સવારે 10.15 વાગ્યે લઘુરુદ્રાભિષેક પૂજન, ષોડ્યોપચાર પૂજન કરવામાં આવ્યું હતું, જેનો ભાવિક ભક્તજનોએ લાભ લીધો હતો. આ ફૂલેકા દરમિયાન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જામખંભાળિયાનું પ્રખ્યાત આંબાવાડી કલાવૃંદ, શ્રીભષ્મરમૈયા ભકતમંડળ-ઉજજૈન (આહલાદક ડમરુંવાદન), નાસિકના પ્રખ્યાત ઢોલ (સ્ટાર ગ્રુપ), ગડુની સુર-મધુર શરણાઈવાદન તેમજ અન્ય રાસમંડળીઓ, દીવડા આરતી, અવનવા ફલોટ્સ તથા વિવિધ સ્થળેથી આવેલા પરંપરાગત લોકકલાકારોએ ભાગ લઇ રાસ-ગરબાની રમઝટની બોલાવી હતી. એમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર શ્રીભષ્મરમૈયા ભક્તમંડળ-ઉજજૈન (આહલાદક ડમરુંવાદન)એ જમાવ્યું હતું.