ધ્રોલમાં લગભગ છેલ્લા ચાર માસથી આધારકાર્ડના સેન્ટરો બંધ થવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેર અને 42 ગામો ધરાવતા તાલુકા સેન્ટરમાં છેલ્લા લાંબા સમયથી ચાર સેન્ટરો માંથી એક માત્ર આધાર સેન્ટર ચાલુ છે.
આથી ત્યાં પણ આધાર કાર્ડ નવા બનાવવા, સુધારાઓ કરવા જેવી કામગીરી માટે લોકોને કલાકો સુધી લાઇનોમાં ઉભા રહેવું પડતુ હોય છે. આથી ધ્રોલ શહેર સહિત તાલુકાભરની જનતા ભારે મુશ્કેલીમાં મુકાઇ છે. તંત્રની નીતિરીતી સામે સવાલો ઉભા થયા છે.
ધ્રોલ શહેર સહિત 42 ગામો અને અંદાજે સવા લાખની વસ્તી ધરાવતા તાલુકામાં ધ્રોલ તાલુકા મથકે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, પોષ્ટ ઓફીસ અને ગ્રામીણ બેંક ખાતે એમ ચાર આધાર કાર્ડનાં સેન્ટરો ચાલુ કરવામાં આવ્યા હતા.
પરંતુ ધ્રોલ તાલુકાની કમનસીબીના કારણે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનાં આધાર સેન્ટર ફેબ્રુઆરી માસથી બંધ છે.જોકે, વચ્ચે ગત માર્ચ મહિનામાં એકવખત ચાલુ થયા હતા. ત્યારબાદ ફરી બંધ થઇ ગયા છે. આથી લોકોમાં ભારે અસંતોષની લાગણી ફેલાઇ છે.

