Gujarat

જામનગરમાં દારૂના ત્રણ દરોડામાં ૩૬ બોટલ સાથે ત્રણ લોકોને પકડવામાં આવ્યા

જામનગર શહેરમાં ઈંગ્લીશ દારૂના પોલીસે બે રહેણાંક મકાન સહિત જુદા જુદા ત્રણ સ્થળોએ દરોડા પાડયા હતા. જેમાં ઈંગ્લીશ દારૂની ૩૬ બોટલ કબ્જે કરી ત્રણ શખ્સોની અટકાયત કરી તેઓ સામે દારૂબંધી ભંગ અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જામનગરમાં મહેબૂબ શાહ પીરની દરગાહ પાસે રહેતો કિરીટસિંહ બહાદુરસિંહ ચુડાસમા નામનો શખ્સ પોતાના મકાનમાં દારૂ છૂપાવી ખાનગીમાં વેચાણ કરતો હોય તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો.

જ્યાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. આથી પોલીસે રૂપિયા ૧૩,૪૪૦ની કિંમતની ઈંગ્લીશ દારૂની બે ડઝન બોટલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૬૦માં આવેલ કાના નગર, આંગણવાડીની બાજુમાં રહેતો પ્રકાશ ઉર્ફે પંકજ મોરબી શિતલદાસ કલવાણીના મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડયો હતો. જ્યાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૬ બોટલ મળી આવતા મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી.

જ્યારે શહેરના ગુલાબનગરની સામે નારાયણ નગર શેરી નંબર બેમાં રહેતો લાલચંદ ઢીંગલાણી નામનો શખ્સ પોતાના જીજે૧૦ એએસ ૦૮૨૬ નંબરના એકસેસ મોટર સાયકલ પર એસ.ટી રોડ પરથી પસાર થઈ રહયો હતો ત્યારે પોલીસે તેને આંતરી બાઈકની તલાશી લેતા તેમાંથી ૬ બોટલ ઈંગ્લીશ દારૂની મળી આવી હતી. આથી પોલીસે દારૂની બાટલી, બાઈક સહિતના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી.