ઠાકોરજીને સુકામેવા મનોરથ યોજાયા
દ્વારકાધીશ આજરોજ સવારે ઠાકોરજીના શૃંગાર દર્શન – આરતી સમયે સુકા મેવા મનોરથ દર્શન ઠાકોરજીના ભાવિક ભક્ત દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી યોજવામાં આવ્યો હતો. આ દિવ્ય મનોરથના દિવ્ય દર્શનનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ લાભ લીધો હતો. આ ઉપરાંત ઓનલાઈનના વિવિધ માધ્યમોથી દેશ વિદેશના લાખો કૃષ્ણભકતોએ નિહાળી ભાવવિભોર બન્યાં હતા. ઉલ્લેખનીય છે કે, દ્વારકાધીશ જગતમંદિરમાં ધ્વજારોહણની સાથે સાથે ઠાકોરજીના અન્નકૂટ મનોરથ, કુંડલા ભોગ, કુનવારા ભોગ, સુકા મેવા ભોગ, આંબા મનોરથ સહિતના અલગ અલગ મનોરથો યોજવાનું પણ મહાત્મ્ય દિન-પ્રતિદિન વધતું જાય છે.
દ્વારકામાં પ્રધાનમંત્રીના આગમન પૂર્વે શરૂ થયેલી પરંપરાઓ કાયમી ધોરણે ચાલુ રાખવા માગ
પ્રધાનમંત્રીના આગમન પૂર્વે દ્વારકાના ગોમતી ઘાટ પર છેલ્લા બે દિવસથી ચાલતા લાઈટીંગ શો અને સાઉન્ડ સીસ્ટમ જોતજોતામાં ખૂબ લોકપ્રિય બની ગયા હોય આ પ્રકારના આયોજન કાયમી ધોરણે હોવા જોઈએ તેવી લોક માગ ઉઠવા પામી છે. આશરે બે દાયકા પૂર્વે યાત્રાધામ દ્વારકામાં યાત્રાળુઓનો પ્રવાહ આવવાની વર્ષમાં છુટીછવાયી આશરે ત્રણ-ચાર માસની સીઝન કહેવાતી, જ્યારે વર્ષના બાકીના દિવસો ઓફ સીઝન ગણાતા.
આશરે દોઢ દાયકા પહેલાં તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકા ક્ષેત્રના વિકાસ માટે કરોડો રૂપિયાના વિકાસકાર્યો કરી અહીં યાત્રાળુઓને સુવિધા આપવા ડેવલોપમેન્ટના કાર્યો હાથ ધરાયા બાદ આજે લગભગ બારેમાસ દ્વારકામાં યાત્રાળુઓનો પ્રવાહ જોવા મળે છે જેમાં દિન-પ્રતિદિન વધારો જ થાય છે. સાથોસાથ દ્વારકા ક્ષેત્રના શિવરાજપુર બીચ અને રવિવારે પ્રધાનમંત્રી હસ્તે લોકાર્પણ થનાર સિગ્નેચર બ્રીજ જેનું નામ સુદર્શન બ્રીજ કરાયું છે જે આઈકોનીક બ્રીજ સહિતના યાત્રા સાથેના ટુરીસ્ટ પોઈન્ટસ બન્યા બાદ યાત્રાળુઓનો પ્રવાહ હજુ વધે તેવી સંભાવના છે.
પ્રધાનમંત્રીના આગમન પૂર્વે બે દિવસ પૂર્વે એકસાથે લાખો દીવડાઓ તથા ગતસાંજે લાઈટીંગ સાઉન્ડ સીસ્ટમ સાથેનો શો નિહાળવા હજારો લોકો ગોમતી ઘાટે એકત્ર થઈ રહ્યા છે ત્યારે, આ પ્રકારના આયોજનો કાયમી ધોરણે ગોમતી ઘાટે યોજવા જોઈએ. ગંગા નદીના ઘાટે આરતી જે રીતે થાય છે તેવી રીતે પવિત્ર ગોમતી નદીના ઘાટો પર આરતી સહિતના આયોજનોથી યાત્રાધામના ટુરીઝમને પણ જબરદસ્ત બુસ્ટઅપ મળે તે હેતુ પ્રધાનમંત્રીના આગમન પૂર્વે શરૂ થયેલી પરંપરા કાયમી ધોરણે ચાલુ રખાય તેવો મત પણ સ્થાનીકો આપી રહ્યા છે.