Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં સિંચાઈ વગર બાકી રહેલા વિસ્તારોને સિંચાઈનો લાભ આપવા  અને જિલ્લાના પદાધિકારીઓની માંગ

છોટાઉદેપુર જિલ્લામાં સિંચાઈ વગર બાકી રહી ગયેલ હોય તેવા વિસ્તારોને સિંચાઈનો લાભ આપવા માટે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાના લેટર પેડ ઉપર  છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સંખેડા ના ધારાસભ્ય  અભેસિંગભાઈ તડવી અને લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાએ  રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી માંગ કરી છે. જેમાં સાત જેટલા મુદ્દાઓ ઉપર સરકારનું ધ્યાન દોરી પ્રજાને લાભ મળે તે માટે લેખિતમાં રજૂઆત કરી છે
મુખ્યમંત્રીને લખેલ પત્રમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ જણાવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં મોટા ભાગનો ભૌગોલિક વિસ્તાર ડુંગરાળ છે અહીં સિંચાઈની વ્યવસ્થા નહિવત છે.  જેની કુલ ખેતીલાયક જમીન 20 7100 હેક્ટર છે જેમાં સરકાર હસ્તકના સુખી ડેમ, રામીડેમ, તેમજ પંચાયત વિભાગ હસ્તકના 13 સિંચાઈ તળાવો અને કેટલાક ખાનગી કુવા/ બોરથી  85104.00 જમીન પિયત થાય છે
જેમાંથી બાકીનો 121996 હેકટરનો 20 વિસ્તાર બિનપિયત છે અને છોટાઉદપુર, કવાટ, નસવાડી, જેતપુર પાવી તાલુકાઓમાં ઘણો ખરો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે ખેડૂતોને સિંચાઈનો લાભ ન મળવાથી ખેતી સારી થતી નથી અને આર્થિક પરિસ્થિતિ નબળી બનતી જાય છે.  અને જુદા જુદા સ્થળોએ મજૂરી અર્થે સ્થળાંતર કરવું પડે છે.
જેની રજૂઆતો પણ ખેડૂતો ધારાસભ્ય અને સાંસદ સભ્યને કરતા હોય છે, જિલ્લામાં ઓરસંગ નદી, આની નદી, ભારજ નદી, મેરીયા નદી, ઉછછ નદી, હેરણ નદી, અશ્વિન નદી, કરા નદી, મેણ નદી, ઉપરાંત મોટા મોટા કોતર પણ આવેલા છે. આ નદીઓ અને કોતરો ઉપર જંગલ વિસ્તારમાં ગેટવાળા ચેક ડેમ / આડબંધ બનાવવા જોઈએ. જેથી તેમાં પાણી બચી રહે પશુ પક્ષી ઉપરાંત જંગલી જાનવરોને પણ પીવાના પાણી મળે જેના કારણે જંગલી પશુઓ જંગલ વિસ્તાર છોડીને રહેણાંક વિસ્તારમાં આવે નહીં સાથે નર્મદાની મુખ્ય નહેર છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થાય છે. વારંવાર સિંચાઈના પાણી માટે વર્ષોથી માંગણી કરવામાં આવે છે છતાં શક્ય બન્યું નથી, સિંચાઇની ખેતીનો લાભ મળે તે માટે કેટલાક સૂચનો ધ્યાને લેવા વિન્નતી કરી છે.
ધારાસભ્યનું 7 મુદ્દાઓ ઉપર સરકાર સમક્ષ માંગ
છોટાઉદેપુર જિલ્લાના હાઇડ્રોલોજીકલ સર્વે કરી પાણીનો સ્ત્રોતો પાણીની ઉપલબ્ધિ અને વિતરણના માર્ગોની સંપૂર્ણ માહિતી મેળવી સિંચાઈ માટેના આયોજનમાં સહાયક થશે. અને સર્વે દ્વારા પાણીના સદુપયોગ કરી ખેડૂતોને બહુ મોટો લાભ થશે અને આર્થિક રીતે મજબૂત થશે, નર્મદાની મુખ્ય કેનાલ 0/0 થી પેરેલલ કેનાલ બનાવવા, કવાટ તાલુકાના હાંફેશ્વર અથવા મથવાડ વિસ્તાર તરફથી નર્મદા નદીમાંથી પાણી સિંચાઈ માટે લાવવુ, જિલ્લાની જે કઈ નદીઓ ઉપર ગેટ વાળા ચેક ડેમો બનાવવા જેનાથી નદીઓમાં બારેમાસ પાણી રહે, જિલ્લાના 13 સિંચાઈ તળાવની કેનાલો અધ્યતન બનાવી કમાન્ડ એરિયામાં સિંચાઈ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી, સિંચાઈ તળાવ ની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા માટે હાલ જે માટી પુરાણ થયેલ છે
તે કઢાવવા વિનંતી સંગ્રહ ક્ષમતા વધે તો સિંચાઈ વિસ્તાર પણ વધે તેમ છે, મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના મોહનપુરા ડેમ બનાવવા માટે નેધરલેન્ડની એજન્સી એ સર્વે કર્યું તે એજન્સીને બોલાવી છોટાઉદેપુર જિલ્લાનું હાઇડ્રોલોજીકલ સર્વે કરવામાં આવે જેવા મુદ્દા ઉપર માંગ કરી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર