Gujarat

ગ્રેઇન માર્કેટ પીઠ ચોકમાં જાહેર શૌચાલયમાંથી ઉભરાતી ગંદકીથી વેપારીઓ ભારે ત્રાહિમામ

જામનગરમાં ગ્રેઇન માર્કેટ પીઠ ચોકમાં જાહેર શૌચાલયમાંથી ઉભરાતી ગંદકીથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે.

અનેક વખત ફરિયાદો કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ ન થતાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. જામનગરમાં ગ્રેઇન માર્કેટ પીઠ ચોકમાં જાહેર શૌચાલય મોતી ચેમ્બર સામે આવેલું છે.

આ શૌચાલયમાં નિકાસ માટેના પાઇપ ખૂબજ નાના હોવાથી પાઇપલાઇન ચોકઅપ થઇ જાય છે. વળી બીજુ શૌચાલય કે જે પીઠ ચોકમાં પે એન્ડ યુઝની બાજુમાં આવેલું છે તેની પાસે કાયમી કચરાના ગંજ ખડકાયેલા છે.

આ બંને સમસ્યા અંગે અનેક વખત ધી સીડસ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસોસીએશને રજૂઆત કરી છે પરંતુ કોઇ ઉકેલ ન આવતા રોગચાળાનો ખતરો ઝંળુબી રહ્યો છે.

વળી, આ સમસ્યા અંગે ફરજ પરના સફાઇ કર્મી અને એએસઆઇને ફરિયાદો કરતા મનસ્વી જવાબો આપતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. જેના કારણે વેપારીઓમાં ભારે આક્રોશની લાગણી ફેલાઇ છે.