દ્વારકા જિલ્લાના બરડા ડુંગરમાં ભાણવડ પાસે અત્યંત પ્રાચીન મંદિરો આવેલા છે તથા ખૂબ જ જુના આ બરડા ડુંગરમાં કાનમેરા ટેકરી પાસે વર્ષોથી પરંપરાગત રીતે હોલિકા દહન થાય છે.
કહેવાય છે કે શ્રીકૃષ્ણ અહીં રુક્ષમણી સાથે આવીને હોલિકા દહન કર્યું હતું. તથા અહીં રાસ રમ્યા હતા. અને મેળો થયો હતો. જેથી ‘કાનમેરા’ નામ પ્રચલિત થયું. રાણપરના અગ્રણી પંકજભાઈએ જણાવેલ કે કાનમેરાના હોલિકા દહનમાં લોકો રાજકોટ, જામનગર, દ્વારકા, ખંભાળીયા, જામ જોધપુરથી આવે છે તથા સંતો પણ આ કાર્યક્રમમાં જોડાય છે.
ડુંગરમાં રહેતા માલધારી સમાજ, વાગડીયા નેશ પાસે, ધીંગેશ્વર મહાદેવ પાસે અનેક સ્થળે દૂધ, દહીં, છાસ, શરબતની વ્યવસ્થા રખાય છે.
એમ પણ કહેવાય છે કે હોલિકા દહનમાં અંદર રાખેલો કુંભ કોઈ કાઢતું નથી. રાત્રે બધા ચાલ્યા જાય છે. સવારે હોલિકામાંથી કુંભ કોઈ દિવ્ય શક્તિ બહાર કાઢીને વર્ષોથી મૂકી જાય છે!! રબારી સમાજના બોદા પાલાભાઈ, રાજા જેતા, પૂંજા નાથા, બાલુ રામાં, હર્ષિત રાડીયા સહિતના કાર્યકરો દ્વારા નાસ્તા ચાની પણ વ્યવસ્થા કરાઈ હતી.
કાનમેરાના ડુંગર પર પ્રગટેની હોળી જોવા ભાણવડ સહિતના ગામના લોકો પોતાની અગાસીઓ પર ચડે છે તથા આ હોળી દૂરદૂરથી દેખાય છે. જે પહેલા પાંડવોના સમયમાં છેક દ્વારકાથી દેખાતી હોવાની લોક વાયકા પણ પ્રચલિત છે.

