માતાનું દૂધ, ૧૦૦૦ દિવસનું મહત્વ, સ્તનપાન વખતે બાળકની સ્થિતિ, બાળકને ગળે વળગાડવાની રીત વિષયક માર્ગદર્શન અપાયું
રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આઇ.સી.ડી.એસ. (સંકલિત બાળ વિકાસ યોજના) કચેરી દ્વારા જેતપુર અને જામકંડોણા ઘટકના કુલ ૨૨૮ આંગણવાડી બહેનો માટે તા. ૧૮થી ૨૦ નવેમ્બર, સુધી I.Y.C.F. (ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઈલ્ડ ફીડિંગ)ની તાલીમ યોજાઈ હતી. જેમાં ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસરશ્રી જનકસિંહ ગોહિલએ આંગણવાડીની મહિલાઓને કામગીરી બાબતે માર્ગદર્શન આપ્યું હતું.
આ તાલીમમાં ઉપસ્થિતોને સમજાવાયું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રથમ ૧૦૦૦ દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. પ્રથમ ૧૦૦૦ દિવસમાં ૨૭૦ દિવસ (નવ માસ) ગર્ભાવસ્થાના અને ૭૩૦ દિવસ (જન્મથી લઈને બે વર્ષ) સુધીના દિવસો ગણવામાં આવે છે. આ મહત્વના સમયગાળામાં જન્મથી ૬ માસ સુધી બાળકને ફક્ત સ્તનપાન અને ૬ માસ પછી યોગ્ય ઉપરી આહારની શરૂઆત કરવી ખૂબ જરૂરી છે. આ માટે સગર્ભા અને ધાત્રીમાતાને કાઉન્સિલિંગ કરીને સમજ આપવી મહત્વપૂર્ણ છે.
આ તાલીમમાં સમાજમાં સ્તનપાન અને પૂરક આહાર વિશે જ્ઞાન વધારવા, ખોટી માન્યતાઓને દૂર કરવા અને ૬ વર્ષની વય સુધીના બાળકોને પોષણક્ષમ આહારની પૂરતી જાગૃતિ આપવા આંગણવાડી કાર્યકરોને સંપૂર્ણતઃ સજ્જ બનવાયા હતા. આમ, આંગણવાડી કાર્યકર બહેનોને માતાનું દૂધ, ૧૦૦૦ દિવસનું મહત્વ, સ્તનપાન વખતે બાળકની સ્થિતિ, બાળકને ગળે વળગાડવાની રીત વિષયક જાણકારી અપાઈ હતી.
આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જામકંડોરણા બાળ વિકાસ યોજના અધિકારીશ્રી સોનલબેન વાળા, જેતપુર બાળ વિકાસ યોજના અધિકારીશ્રી તૃપ્તિબેન કામલિયા, માસ્ટર ટ્રેનર્સશ્રી પિન્ટુબેન દવે અને મિતલબેન પરમારે તાલીમ આપી હતી, તેમ યાદીમાં જણાવાયું છે.