Gujarat

RSS તેમજ અન્ય ભગિની સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

RSSની પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ તેમજ અન્ય ભગિની સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી. તા. 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં વૃક્ષોને પણ મંદિર ગણી પૂજા કરવામાં આવે છે. આખું વિશ્વ આજે પ્રદૂષણ તેમજ દર વર્ષે વધતી જતી ગરમીનાં કારણે ત્રસ્ત છે. વૃક્ષો આપણી જીવાદોરી સમાન છે.

વૃક્ષો છાંયડો તો આપે જ છે સાથે સાથે ફળ, ફૂલ, ઓક્સિજન રૂપી અમૃત પ્રદાન કરે છે, વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, વૃક્ષો એ માનવીની સાથે સાથે અન્ય કેટલાય જીવજંતુઓ, કીટકો, સરીસૃપ પ્રજાતિઓને નિવાસ અને ખોરાક પૂરો પાડે છે, વૃક્ષોએ મૂક તપસ્વી સમાન છે જે કોઈપણ પરિસ્થિતિમાં સમગ્ર સૃષ્ટિ માટે વરદાન રૂપ છે. આજની કપરી પરિસ્થિતિમાં વૃક્ષોની તાતી જરૂરિયાતની સૌ કોઈને ખબર પડી ગઈ છે.

માત્ર પંખા, એસી કે કુલર એ દર વર્ષે વધી રહેલા અતિશય ગરમીમાં માનવીય અનુકૂલનનો કાયમી ઉકેલ કે સમાધાન નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ પર્યાવરણ સંરક્ષણ વિષયને લઈને ખૂબ જ ગંભીર છે.

જેથી સંઘે પર્યાવરણ સંરક્ષણ માટે એક ગતિવિધિ પણ શરૂ કરી હતી. એના જ એક ભાગ રૂપી ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે નરસિંહ અને હરણી નગરમાં સંઘ અને તેની અન્ય ભગિની સંસ્થાઓ જેમકે, બહેનોની રાષ્ટ્રીય સેવિકા સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ એ સાથે મળીને 3 કાર્યક્રમ યોજ્યા જેમાં જ્યુબિલી બાગ ખાતે, મહિલા પોલીસ સ્ટેશન, કારેલીબાગ અને હરણી પોલીસ સ્ટેશનના પટાંગણમાં આંબો, જાસુદ, આસોપાલવ, પીપળો, વડ વિગેરે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.