વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર ગુજારનાર ગૃહપતિની આખરે બદલી કરવામાં આવી છે.
છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ખાતે શ્રી ગજાનંદ કુમાર છાત્રાલય આદિજાતિ વિકાસ વિભાગની આવેલ છે. આ છાત્રાલયની અંદર વિદ્યાર્થીઓને ગૃહપતિ માર મારતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. જે વિડીયો ખરાઈ કરતા વિદ્યાર્થીઓએ તેઓના ગૃહપતિ તેઓને નશો કરીને હેરાન કરતા હોય અને માર મારતા હોવાનું કબૂલ્યું હતું.
ત્યારે બીજી બાજુ છાત્રાલયના ગૃહપતિએ પોતાનો બચાવ કરી વિદ્યાર્થીઓનો આક્ષેપ ખોટો ગનાવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે તમામ મીડિયાની અંદર અહેવાલ પ્રસારિત થયા હતા. ત્યારબાદ આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓ છાત્રાલયની મુલાકાતે પહોંચ્યા હતા. અને મુલાકાત લઈ વિદ્યાર્થીઓના નિવેદન લીધા હતા. અને ત્યારબાદ આદિજાતિ વિકાસ વિભાગના અધિકારી દ્વારા બાળકો સાથે અત્યાચાર ગુજારનાર ગૃહપતિની બદલી કરાઈ છે.

ત્યારે આ ગૃહપતિની જગ્યાએ મદદનીશ ગૃહ પતિ ,એકલવ્ય કુમાર છાત્રાલય,છોટાઉદેપુરના ગિરિશભાઈ રતનભાઈ રાઠવાની તેજગઢ છાત્રાલય ખાતે નિયુક્તિ કરાઇ છે.આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા ગરીબ આદિવાસી બાળકોમાં ખુશી જોવા મળી છે.
ત્યારે આ સમગ્ર મામલે મદદનીશ કમિશનર વર્ગ એક આદિજાતિ વિકાસ વિભાગના અધિકારી એ.બી.બારડે જણાવ્યું હતું કે આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત છાત્રાલય તેજગઢ ખાતે આવેલ છે. અને ત્યાંના બાળકો દ્વારા ગૃહપતિ દ્વારા હેરાન કરવામાં આવે છે. એવી ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને કચેરી દ્વારા ગઈકાલે રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. અને વિદ્યાર્થીઓ દ્વારા જણાવ્યું હતું કે ગૃહપતિ તેમને માર મારે છે.
એ બાબતે તાત્કાલિક ગૃહપતિની બદલી કરીને અને તેની જગ્યાએ અન્ય ગૃહપતિની નિમણૂક કરવામાં આવી છે. અને ગૃહપતિ વિરોધ કાયદેસરની કાર્યવાહી પણ ચાલુ કરવામાં આવેલ છે. જો કાર્યવાહીમાં તથ્ય સાબિત થશે તો તેના સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એમ અધિકારીએ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

