Gujarat

લાયસન્સ કઢાવવા ટ્રાય માટે આવતાં 800 વાહન ધારકોને મુશ્કેલી; ટ્રેક મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ 6 વર્ષથી રીન્યુ નથી થયો

રાજકોટ આરટીઓમાં છેલ્લા બે દિવસથી વાહનોના લાયસન્સ કઢાવવા માટે ટ્રાય આપવાનો ટ્રેક બંધ થઈ ગયો છે. જેને લીધે દરરોજ લાયસન્સ કઢાવવા માટે વાહનોની ટ્રાય આપવા આવતા 400 મળી 2 દિવસમાં 800 જેટલા વાહન ધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રાજકોટ RTOના ટ્રેકના મેઇન્ટેનન્સ માટેનો કોન્ટ્રાક્ટ 6 વર્ષથી રીન્યુ કરવામા ન આવતા વારંવાર ટ્રેક બંધ થવાની મુશ્કેલી સર્જાઈ રહી છે. જોકે હાલ રાજકોટ સહિત રાજ્યભરના RTOના ટ્રેક બંધ હોવાનું સામે આવ્યું છે. ત્યારે તાત્કાલિક લાયસન્સ કઢાવવા માટે ટ્રાય માટેનો ટ્રેક શરૂ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

સોફ્ટવેર ચાલુ થઈ જશે તો આજે જ ટ્રેક શરૂ કરી દેવાશે

રાજકોટ RTO કચેરીના ઇન્ચાર્જ ARTO કેતન ખપેડને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ RTO કચેરીનો ટ્રેક શુક્રવારથી બંધ છે. દરરોજ અહીં ટુ-વ્હીલર, ફોર વ્હીલર ઉપરાંત રિક્ષા, ટ્રક સહિતનાં 400 જેટલાં વાહન ધારકો લાયસન્સ કઢાવવા RTO કચેરીએ ટ્રાય આપવા માટે આવતાં હોય છે. જેથી 2 દિવસ ટ્રેક બંધ રહેતા 800 જેટલા વાહન ધારકો લાયસન્સ કઢાવવા માટેની ટ્રાય આપી નથી શક્યા. જોકે વાહન ચાલકોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને હાલ સોફ્ટવેર અપડેટ કરવામાં આવ્યું છે. જો આ સોફ્ટવેર ચાલુ થઈ જશે તો આજે જ ટ્રાય માટેનો ટ્રેક શરૂ કરી દેવામાં આવશે.

ટ્રેકનું મેઇન્ટેનન્સ કરવામાં આવી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે, રાજકોટ RTO કચેરીના ટ્રાય માટેનાં ટ્રેકનું મેઇન્ટેનન્સ હાલ કરવામાં આવતું નથી. આ બાબતે અધિકારી ખપેડને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2017માં RTO ટ્રેકના ટેક્નિકલ મેઇન્ટેનન્સ માટેનો કોન્ટ્રાક્ટ હતો. જે બાદમાં રીન્યુ થયો નથી અને ટેક્નિકલ વ્યક્તિ ન હોવાથી RTOના ટ્રાય માટેના ટ્રેકનું મેઇન્ટેનન્સ થઈ શકતું નથી. મહત્વનું છે કે, 6 વર્ષ સુધી રાજ્યની રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસની વડી કચેરી દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતી નથી અને તેને લીધે લાયસન્સની ટ્રાય માટેનો કોન્ટ્રાક્ટ રીન્યુ થઈ શક્યો નથી. જેથી રાજકોટ આરટીઓ કચેરીમાં ટેક્નિકલ પર્સન વિના ટ્રાય માટેના ટ્રેકનું મેઇન્ટેનન્સ કરવામાં આવી રહ્યું છે.