Gujarat

કોટડાપીઠામાં ત્રણ, વડિયામાં અઢી ઇંચ વરસાદ

અમરેલી સહિત જિલ્લાભરમા ફરી એક વખત મેઘરાજા મનમુકીને વરસી પડયા હતા. બાબરા તાલુકાના કોટડાપીઠામા ધોધમાર ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જયારે વડીયામા અઢી ઇંચ અને અમરેલી, લાઠી, બાબરામા એક ઇંચ વરસાદ પડી જતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી.

અમરેલીમા સવારથી ઉકળાટભર્યુ વાતાવરણ રહ્યાં બાદ બપોર બાદ આકાશમા કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અહી એક ઇંચ વરસાદ પડી જતા માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા અને વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી.

તો બાબરા તાલુકાના કોટડાપીઠામા બપોરબાદ મેઘમહેર ઉતરી આવી હતી અને ત્રણ ઇંચ વરસાદ પડી જતા વાડી ખેતરોમા પાણી દોડવા લાગ્યા હતા. આસપાસના ગ્રામ્ય વિસ્તારમા પણ સારી એવી મેઘમહેર થઇ હતી. અહીનુ ધેાબીયારા તળાવ પણ છલકાઇ ઉઠયું હતુ.

જયારે વડીયામા પણ બપોરબાદ આકાશમા વરસાદી વાદળો ઘેરાયા હતા અહી પણ અઢી ઇંચ વરસાદ પડી જતા ખેડૂતોમા ખુશી વ્યાપી ઉઠી હતી. બાબરામા બપોરબાદ ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો હતો.

બાબરામાં એક ઇંચ પડ્યો હતો. જયારે ચમારડી, વાવડી, ઉંટવડ, ચરખા દરેડ, ખાખરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ એક ઇંચ વરસાદ પડી ગયો હતો. ગામની સ્થાનિક નદીઓ વહેલા લાગી હતી. તેમજ શહેરની બજારોમાં પાણી દોડવા લાગ્યા હતા.