જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હંસથલ ગામે એક સિંહણનું ખેતરમાં લગાવવામાં આવેલા ગેરકાયદેસર વીજતારમાં વીજકરંટ લાગતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. સિંહણના મોત બાદ બે શખ્સોએ સિંહણના મૃતદેહને દફનાવી પણ દીધો હતો. આ વિસ્તારમાં ફરતી સિંહણની ગુરુવારે ભાળ ન મળતાં વન વિભારે લોકેશન ટ્રેક કર્યું ત્યારે આ ઘટના સામે આવી હતી.
વન વિભાગે સિંહણનું લોકેશન ટ્રેક કર્યું
સિંહણના મોત અંગે વિગતે વાત કરીએ તો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હંસથલ, શેઠવડાળા અને સમાણા સહિતના ડુંગરાળ વિસ્તારમાં ગીરમાંથી એક સિંહણ આવી પહોંચી હતી. આ વિસ્તારમાં સિંહણ આવતા સ્થાનિકોએ તેના વીડિયો પણ ઉતાર્યા હતા. જોકે, ગુરુવારે અચાનક સિંહણ ગાયબ થઇ જતાં વન વિભાગે સિંહણને લગાવેલા રેડીયો કોલરના આધારે તેનું લોકેશન ટ્રેક કરતાં સિંહણનું લોકેશન કાલાવડ આસપાસ મળ્યું હતું.

