Gujarat

ઉના પંથક ખનીજ વિભાગના દરોડા…ગેરકાયદે ખનિજ રેતી ચોરી ભરેલા ટ્રેક્ટરો, ડમ્પર, ટ્રક વાહનો સહીત કુલ રૂ.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગીર સોમનાથ કલેક્ટર દ્વારા ખનીજ માફીયાઓ પર તવાઈ બોલાવવા ખાણ ખનીજને સૂચન બાદ વધુ એક વખત ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું. ઉના અને વેરાવળ વિસ્તારમાં ખનીજ વિભાગે દરોડા પાડી ખનીજ ચોરીમાં ઉપયોગ લીધેલ ગેરકાયદે વાહનો ખનિજ ભરેલા ટ્રેકટરો, ટ્રક, ડમ્પર સહીત વાહનો સીઝ કરવામાં આવ્યાં હતા. ઉનાના નલિયા માંડવીમાંથી ટ્રેક્ટર, કંસારી ચોકડી પાસે લાઇન સ્ટોન ભરેલું ટ્રેક્ટર, તેમજ સુપાસીગામે રેતી ચોરી ભરેલ ડમ્પર સહીત કુલ પોણા કરોડથી વધુની ખનીજ ચોરીમાં ઉપયોગમાં લીધેલા વાહનોના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ખનીજ વિભાગે કુલ 85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડી.ડી જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ ભુસ્તરશાસ્ત્રી અને તપાસ ટીમ ખનીજ ચોરી પર અંકુશ લાવવા દિવસ તથા રાત્રી દરમ્યાન બિનઅધિકૃત ખનન અને વહનની પ્રવૃતિને ડામવા સઘન ચેકીંગની કામગીરી કરવામાં આવેલ હતું. જેમાં ઉના તાલુકામાં નાલિયા માંડવીથી ગેરકાયદેસર ખનીજ રેતી ભરેલ 1 ટ્રેક્ટર, કંસારી ચોકડી પાસેથી 2 ટ્રેક્ટરને બિલ્ડિંગ લાઇમ સ્ટોન ખનિજની ચોરી ખાણ
ખનીજ અને એસ.ડી.એમ. ઉનાની સંયુક્ત તપાસ દરમ્યાન કાંધી ગામેથી 2 ટ્રેકટરમાં ખનિજ રેતી ચોરી ઝડપી પાડી તમામ વાહનો સીઝ કરી પ્રાંત કચેરી કમ્પાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે.
આ ઉપરાંત વેરાવળથી બ્લેક ટ્રેપ ખનિજની ચોરીમાં 1 ડમ્પર, સોમનાથ ચોકડી પાસેથી બિલ્ડિંગ લાઇમ સ્ટોન ભરેલા 2 ટ્રેક્ટર, તાલાલા ચોકડી પાસેથી 1 ડમ્પરને બ્લેક ટ્રેપ જી એસ બી ખનિજ, સુપાસીથી રેતી ભરેલ 1 ડમ્પર ઝડપી પાડયા હતા. આમ ગીર સોમનાથ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં આશરે રૂ.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખનીજ ચોરી કરનાર શખ્સો સામે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.