દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે પુનઃ મેઘરાજાનો મુકામ બની રહ્યો હતો. સોમવારે રાત્રિથી શરૂ થયેલી મેઘ સવારી મંગળવારે પણ જારી રહેતા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં એકથી ત્રણ ઈંચ સુધીનો ધોધમાર વરસાદ વરસી ગયો હતો. જેના કારણે નાના-મોટા જળસ્ત્રોતોમાં પાણીની ધીંગી આવક થઈ હતી. મહત્વની બાબત તો કે ખંભાળિયાના ઘી ડેમ તથા સિંહણ ડેમમાં પણ નવા પાણીની આવક થવા પામી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે આખો દિવસ વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં સૌથી વધુ કલ્યાણપુર પંથક પર મેઘરાજા મહેરબાન થયા હતા. સરકારી ચોપડે કલ્યાણપુર તાલુકામાં બપોરે 9 મી.મી. બાદ સાંજે 6 થી 8 દરમિયાન બે ઈંચ પછી પણ વરસાદી ઝાપટાનો દૌર ચાલુ રહ્યો હતો અને તાલુકામાં કુલ પોણા ત્રણ ઈંચ (66 મી.મી.) વરસાદ નોંધાયો હતો. કલ્યાણપુર તાલુકાના લાંબા, ભોગાત, આસોટા સહિતના ગામોમાં ત્રણથી ચાર ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો.

જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ચોમાસાના પ્રારંભથી જ વરસાદી હેત વધુ વરસ્યું છે. જેમાં ગઈકાલે દિવસ દરમિયાન હળવા ઝાપટા બાદ રાત્રિના સાત વાગ્યાથી 9 વાગ્યા સુધીના સમયગાળામાં વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની બે ઈંચથી વધુ (52 મી.મી.) પાણી પડી ગયું હતું. ધોધમાર વરસાદના પગલે નિંચાણવાળા વિસ્તારોમાં ગોઠણબુડ પાણી ચાલી નીકળ્યા હતા અને થોડો સમય પાણીનો ભરાવો થયો હતો.
રામનાથ રોડ, નગર ગેઈટ, પોરબંદર રોડ, વગેરે વિસ્તારના રસ્તાઓમાં પાણીનો ભરાવો થઈ જતા વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આટલું જ નહીં, કેટલાક સ્થળોએ કાર તેમજ બાઈક જેવા વાહનો બંધ પડી જતા વાહન ચાલકો, રાહદારીઓને મુશ્કેલી થઈ હતી.


