Gujarat

વીંછિયાના પરીક્ષા કેન્દ્રમાં વિજિલન્સ સ્ક્વોડએ નિરાંતે પાન માવા ખાધા, મોબાઇલમાં આરામથી વીડિયો જોયા!

વીંછિયા પંથકમાં બોર્ડની પરીક્ષામાં વિજિલન્સ સ્ક્વોડએ પરીક્ષા આપતા છાત્રોને માનસિક રીતે હેરાન તો કર્યા જ હતા સાથે સુપરવાઇઝર સાથે ગેરવર્તન કર્યું અને ઉપરથી પરીક્ષા કેન્દ્રની લોબીમાં પાન-માવા ખાઈને મોબાઈલમાં વિડીયો નિહાળતા હોવાનો સનસનીખેજ આક્ષેપ વાલી મંડળે કરી વિજિલન્સ સ્ક્વોડ સામે શિક્ષાત્મક રાહે પગલાં લેવા માંગણી ઉઠાવી છે.

વાલી મંડળના પ્રમુખ જગદીશભાઈ દિયાળભાઈ માથોળીયાએ જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારી તેમજ બોર્ડના ચેરમેનને પાઠવેલા પત્રમાં વિજિલન્સ સ્ક્વોડ ટીમ નં.35 નાં 4 અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા માંગણી કરી છે.

વાલી મંડળના પ્રમુખ જગદીશભાઈ માથોળીયાએ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સહિતને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, તાલુકાની ઉમિયા વિદ્યામંદિરમાં ધોરણ 10 અને 12 ના પરીક્ષા કેન્દ્ર છેલ્લા 10 વર્ષથી ચાલે છે. તેમાં આજદિન સુધી એકપણ કોપી કેસ કે અન્ય બનાવ બન્યો નથી.

બોર્ડની ચાલી રહેલી પરીક્ષા દરમિયાન આ શાળામાં તા.19/03/2024 ના રોજ સ્ક્વોડના ડી.બી. પંડયા ચાલુ પરીક્ષાએ સરકારનો પ્રતિબંધ હોવા છતાં લોબીમાં મસાલો(માવો) ખાતા પકડાયા છે. તેમને આ નિયમ લાગૂ નહીં પડતો હોય?

સ્ક્વોડ ટીમ નંબર-35 ના આ ચારેય સભ્ય હોગોકીરો કરતા, મોબાઈલમાં વિડીયો જોતાં અને મોબાઈલમાં વાતો કરતાં હોવાથી મહિલા સુપરવાઇઝરે તેમને ટપાર્યાં કે વિદ્યાર્થીઓને ગભરામણ થાય છે તો તેમણે લાજવાને બદલે ગાજવાનું શરૂ કર્યું અને હાંસી ઉડાવી હતી.

પત્રમાં વધુમાં જણાવાયું છે કે તા.20/03/2024 ના સવારે વિજિલન્સ સ્ક્વોડ ટીમ નંબર-35 ના ભાવસુખભાઈ જોષી, હરિકૃષણભાઈ ધાંધલા, કલ્પેશભાઈ પંડયા અને વિજયભાઈ મકવાણા વારંવાર બ્લોકમાં જવાના કારણે અને લોબીમાં બ્લોકની બારી પાસે સતત અવરજવર કરતા હોવાના કારણે નં-11ના પરીક્ષાર્થી લેલા દશરથભાઈ ધનજીભાઈ (ભરવાડ)ને ગભરામણ થવાના કારણે ચક્કર આવતા અને ઊલ્ટી થવા લાગી હતી.