ઉનાળાની આ કાળજાળ ગરમીમાં પાણીનો કકળાટ સામે આવી રહ્યો છે. બનાસકાંઠાના દાંતા તાલુકાના પાસિયા ગામે પાણીને લઈને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. સરકાર દ્વારા પાણી માટે અનેક યોજનાઓ અમલમાં મુકાઇ છે. જોકે ભદ્રમળ ગામે હજુ પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. લોકોનું કહેવું છે કે હજુ તો ઉનાળાની શરૂઆત છે પરંતુ આગામી સમયમાં લોકો અને પશુઓ માટે પાણીની ભારી મુશ્કેલી સર્જાય તેવું લાગી રહ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. લોકોને ઘર સુધી પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના પણ બનાવી છે. તેમજ પાઇપલાઇન દ્વારા પણ અનેક વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જોકે દાંતા તાલુકાના પાસિયા ગામે ઉનાળાની શરૂઆતમાં જ લોકો પાણીને લઈને કકળાટ કરતા જોવા મળ્યા હતા. પાણી લેવા માટે દૂર દૂર લોકો જઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે ઉનાળાની શરૂઆત છે પરંતુ પાણી પૂરતું મળતું નથી.
ગામમાં માત્ર હેડ પંપ દ્વારા જ પાણી મળી રહ્યું છે, તેમાં પણ હેડ પંપમાં થોડીવાર પાણી આવે છે અને બાદમાં નીચે તળમાં ફરી જમા પાણી થાય તો કલાક પછી ફરી હેડપંપ દ્વારા પાણી મેળવવામાં આવે છે. એટલે કે આ ગામમાં હાલ માત્ર હેડ પંપ જ પાણીનો સહારો બન્યો છે. સરકાર દ્વારા પાણી માટેની પાઇપલાઇન કરવામાં આવી છે. નલ સે જલ યોજના થકી દરેકના ઘર સુધી નળ પહોંચ્યા છે પરંતુ હજુ સુધી પાણી નથી પહોંચ્યું. ત્યારે લોકો પાણી માટે રાહ જોઈ રહ્યા છે. ગ્રામજનોની માગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાણી માટેની વ્યવસ્થા કરવામાં આવે તો આગામી ઉનાળાના સમયમાં લોકોને અને પશુઓ માટે મોટી રાહત થઈ શકે તેમ છે.
દાંતા તાલુકો એ અંતરિયાળ વિસ્તાર છે. જે આદિવાસી સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે દાંતા તાલુકાના પાસિયા ગામે વસતા લોકો હાલ પાણીની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે દર વખતે ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય છે. સરકાર દ્વારા પાઇપલાઇન કરીને ટાંકા તો બનાવવામાં આવે છે પરંતુ તેમાં પાણી ભરવામાં આવતું નથી.
નલ સે જલ યોજનામાં હજુ નળમાં પાણી આવતું નથી તેમજ પશુઓને પીવા માટે પણ હવાડા ખાલીખમ છે. ઉનાળાના આકરા તાપમાનમાં જ્યારે પાણીની વધારે જરૂરિયાત હોય ત્યારે લોકો પાણી માટે વળખા મારી રહ્યા છે. પશુઓને પીવા માટે પણ પુરતું પાણી નથી. ત્યારે સ્થાનિક લોકો સરકાર પાસે પાણીની ટેન્કરો દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.