દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત જામનગર લોકસભા મત વિસ્તાર માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા ખર્ચ નિરીક્ષક (એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર) અવિજીત મિશ્રાએ જિલ્લાની મુલાકાત લીધી હતી.
ખંભાળિયામાં જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં તેમણે નોડલ અધિકારીઓની કામગીરી, ખર્ચ મોનિટરિંગ અંતર્ગત નિમવામાં આવેલ ફ્લાઈંગ સ્ક્વોડ, એસ.એસ.ટી, વી.એસ.ટી. ચેક પોસ્ટની વિગતો, ન્યુઝ મોનિટરિંગ સહિતની બાબતોથી ખર્ચ નિરીક્ષણ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી માહિતગાર કર્યા હતા.

નિરીક્ષક મિશ્રાએ પણ વિવિધ નોડલ અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી કામગીરી તથા તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ ચૂંટણી માટે સચોટ મોનિટરિંગ ખૂબ જ મહત્વનું હોય છે.
દરેકને સોંપવામાં આવેલી ફરજો સુપેરે પાર પાડી શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તેવા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવે તે જરૂરી છે.
બેઠક પૂર્વે ખર્ચ નિરીક્ષક મિશ્રાએ જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત મીડિયા મોનિટરિંગ સેન્ટર, ખર્ચ દેખરેખ નિયંત્રણ સેલ તથા કંટ્રોલ રૂમની મુલાકાત લઇ જરૂરી નિરીક્ષણ કર્યું હતું તેમજ અત્રે હાથ ધરવામાં આવતી કામગીરીની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


