Gujarat

ખંભાત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાયા

આણંદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અને 108 ખંભાત વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીમાં જિલ્લાના મહત્તમ નાગરિકો લોકશાહીના મહાપર્વમાં મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.

મતદાન જાગૃત્તિના પ્રયાસ સ્વરૂપે 108 ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં મદદનીશ ચૂંટણી અધિકારી કુંજલ શાહ દ્વારા જે મતદાન મથકોમાં અગાઉની ચૂંટણીમાં 50 ટકાથી ઓછુ મતદાન થયું હતું. તથા જે મતદાન મથકોમાં પુરૂષ-સ્ત્રી મતદારો વચ્ચેનો તફાવત 10 ટકા જેટલો તફાવત હોય તેને દૂર કરવા માટે મહિલાઓ મતદાન કરવા પ્રેરાય તે માટે ખાસ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં ટાવર બજાર વિસ્તારમાં કે જ્યાં ખંભાત શહેરના મધ્ય ભાગમાંથી સૌથી વધુ અવરજવર રહે છે તે એરિયામાં “ચૂનાવ કા પર્વ, દેશ કા ગર્વ” ના પોસ્ટર લગાવીને મતદાન જાગૃતિનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ખંભાત વિધાનસભા મતવિસ્તારના ગામો બામણવા, જલાલપોર, જીણજ, નગરા, કાણીસા, રાલેજ, ટીંબા, માલુ તથા સાયમા વગેરે ગામો ખાતે બી.એલ.ઓ., આશા વર્કર દ્વારા ડોર ટુ ડોર મતદાર જાગૃતિના કાર્યક્રમો કરી મતદારો આગામી મે મહિનાની 7મી તારીખના રોજ મતદાન કરે અને પોતાના મતાધિકાર દ્વારા લોકશાહીના પર્વમાં સહભાગી બને તે માટે મતદાન જાગૃત્તિ અભિયાન અંતર્ગત રેલી યોજવામાં આવી હતી અને મતદાન જરૂર કરીશું તેવા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.