Gujarat

કાંકરિયા પિકનિક હાઉસ ખાતે ભાજપના મહિલા સંમેલન બાદ દિવાલ પડી, ચાર મહિલા કાર્યકર્તાઓને ઇજા થતા સારવાર માટે ખસેડાઈ

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાના સમર્થનમાં આજે કાંકરીયા પિકનિક હાઉસ ખાતે ભાજપના મહિલા કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. પિકનિક હાઉસની બહાર મ્યુનિસિપલ કોર્પોરેશનનું ન્યુસન્સ ટેન્કર બહાર નીકળતું હતું. તે દરમિયાન પિકનિક હાઉસની દીવાલને અથડાતા દિવાલ પડી હતી. પિકનિક હાઉસની દીવાલને અથડાતાં દિવાલ ફૂટપાથ ઉપર ઉભેલી મહિલા ઉપર પડી હતી, જેમાં ચાર જેટલી મહિલાઓને ઇજાઓ થઈ છે. ઇજાગ્રસ્ત ચારેય મહિલા કાર્યકર્તાઓને સારવાર માટે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

કાંકરિયા પિકનિક હાઉસ ખાતે મહિલા કાર્યકર્તાઓનું સંમેલન હતું

શહેર ભાજપના મહામંત્રી ભૂષણભાઈ ભટ્ટે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે કાંકરિયા પિકનિક હાઉસ ખાતે પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર દિનેશ મકવાણાના સમર્થનમાં ભાજપની મહિલા કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. સંમેલન પૂર્ણ થયા બાદ મહિલાઓ બસની રાહ જોઈ બહાર ફૂટપાથ ઉપર ઉભી હતી તે દરમિયાનમાં કાંકરિયા પિકનિક હાઉસની બાજુમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ન્યુસન્સ ટેન્કરનું વાહન ત્યાંથી ઢાળ ઉપરથી પસાર થતો હતો તે દરમિયાનમાં દીવાલ સાથે અથડાયું હતું.

ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે ખસેડી

AMCનું ન્યુસેન્સ ટેન્કર દીવાલને અથડાતા દિવાલ પડી ગઈ હતી અને બહાર ફૂટપાથ ઉપર ઉભેલી મહિલાઓ ઉપર દિવાલ પડતા મહિલા કાર્યકર્તાઓને નાની-મોટી ઇજાઓ થઈ હતી. આ ઘટના બનતાની સાથે જ તાત્કાલિક શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તાત્કાલિક ધોરણે ત્યાં દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલાઓને 108 મારફતે સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત મહિલાઓની હાલત સામાન્ય છે.