પ્રાકૃતિક કૃષિ અપનાવીને તેમની આવકમાં વધારો કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો
ખેતીમાં થતા ખર્ચમાં ઘટાડો કરીને બમણી આવક ઉભી થઈ શકે તે માટે ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. આવા જ એક ખેડૂત છે છોટાઉદેપુર તાલુકાના હરવાટ ગામના રેણુકાબેન નાયકા.
છોટાઉદેપુર તાલુકાના હરવાટ ગામના રેણુકાબેન નાયકા છેલા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રાકૃતિક કૃષિ અંગે જાણકારી ન હતી ત્યારે તેઓ રાસાયણિક દવા-ખાતર આધારિત ખેતી કરતા હતા. ત્યારબાદ આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે જાણકારી મળતા તેમણે પ્રાકૃતિક કૃષિ અપનાવી.
એક મુલાકાત દરમિયાન રેણુકાબેને જણાવ્યું હતું કે, શરૂઆતમાં થોડી જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું હતું. સારું પરિણામ મળ્યા બાદ વધુ જમીનમાં પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. હાલ, અમારા ખેતરમાં ગાય આધારિત પ્રાકૃતિક કૃષિથી રીંગણી વાવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પાકની વાવણી સમયે બીજામૃત અને તેના માવજત માટે જીવામૃતનો ઉપયોગ કરીએ છીએ. જીવામૃત બનાવવા માટે દેશી ગાયનું ગૌમુત્ર, ચણાનો લોટ, ગોળ અને ઝાડ નીચેની માટીને ૨૦૦ લીટર પાણીમાં મિક્સ કરી ઘડિયાળની દિશામાં હલાવવામાં આવે છે, ૪૮ કલાક બાદ તે જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે છે. વાવેતર કર્યાના ૨૧ દિવસની અંદર પાક પર જીવામૃતનો છંટકાવ કરવાનો હોય છે અને પિયતની સાથે પણ આપવાનું હોય છે. આ ઉપરાંત પાકમાં રોગ નિયંત્રણ માટે ગૌમૂત્ર અને ખાટી છાશનો ઉપયોગ કરીએ છીએ.
પાકના વેચાણ અંગે વાત કરતા રેણુકાબેને જણાવ્યું હતું કે, પાક થયા તૈયાર થયા બાદ આત્મા પ્રોજેક્ટ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રાકૃતિક કૃષિના સ્ટોલમાં અમારા પાકનું વેચાણ અમારા દ્વારા નક્કી કરેલી કિંમત મુજબ થાય છે.જેથી કરીને અમને પોષણક્ષમ ભાવ મળી રહે છે અને ઓછા ખર્ચે વધુ નફો મળે છે.
આમ, છોટાઉદેપુર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને તેમણે નક્કી કરેલી પાકની કિંમત મેળવીને આવકમાં વધારો કરી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

