Gujarat

‘અમને આત્મહત્યા કરવા મજબૂર ન કરો’ના બેનર સાથે વેપારીઓએ પતરાના શેડના સીલ ખોલી આપવાની માગ કરી

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ ઘટના બાદ સુરતમાં પતરાના શેડમાં ધમધમતા ગેમઝોન અને વેપારને પાલિકા દ્વારા સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સીલિંગની કામગીરીના કારણે છેલ્લા 25 દિવસથી પતરાના શેડમાં વેપાર કરનાર અને ગેમ ઝોન ચલાવનાર વેપારીઓ ધંધા અને રોજગાર વિહોણા થયા છે જેથી આજે મોટી સંખ્યામાં વેપારીઓ હાથમાં બેનર અને પોસ્ટર લઈ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પહોંચ્યા હતા. ‘અમને આત્મહત્યા કરવા મજબૂર ન કરો’ બેનર પર લખી તેઓ સુરત મનપા કચેરીની બહાર ધરણા પર બેઠાં હતા.

રાજકોટ જેમ ઝોનમાં સર્જાયેલી અગ્નિકાંડની ઘટના બાદ સુરત શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર ચાલનાર પતરાના શેડમાં વેપાર અને ગેમ ઝોનમાં સીલિંગ કાર્યવાહી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી, જેને 20થી વધુ દિવસ થઈ ગયા છે.

સીલિંગની કાર્યવાહીના કારણે અને અનેક વેપારીઓ રોજગાર અને ધંધા વિહોણા થયા છે. પતરાના શેડ બનાવી ઓનલાઈન બિઝનેસ, રેસ્ટોરન્ટ, ગેરેજ, ફેબ્રિકેશન જેવા અલગ અલગ ધંધા લોકો ચલાવી રહ્યા હતા. પરંતુ ફાયર સેફટી અને એનઓસીના અભાવના કારણે સુરત મહાનગર પાલિકા દ્વારા સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.