શાળાના ગાંધીવાદી કલા સાધક શિક્ષકને રાજ્યકક્ષાનો અતુલ્ય વારસો એવોર્ડ અર્પણ
-ખેડાના એકમાત્ર કલાકાર તરીકે સન્માન મેળવ્યું….. ખેડાનું ખમીર રાજ્યકક્ષાએ ઝળક્યું
ગાંધીનગરની સંસ્થા હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર દ્વારા વિવિધ કલાને જીવંત રાખનાર ૧૩૧ જેટલા કલાકાર -કસબીઓને અતુલ્ય વારસો એવોર્ડ અર્પણ કરાયો .જેમાં કઠપૂતળી કલા અને રંગોળી કલા ક્ષેત્રે રાજ્યભરમાં આગવી ઓળખ ઊભી કરનાર નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી કલા સાધક શિક્ષક હિતેશકુમાર હરિપ્રસાદ બ્રહ્મભટ્ટને આ એવોર્ડ ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના વરદ્ હસ્તે આ એવોર્ડ અર્પણ કરાયો . ગાંધીનગરમાં આ પ્રસંગે અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ,ડૉ. આંબેડકર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અમીબેન ઉપાધ્યાય,ઇતિહાસવિદ ડૉ.વિશાલ જોષી,કલા તીર્થના અધ્યક્ષ રમણિક ઝાપડિયા,સંસ્થાના પ્રમુખ કપિલ ઠાકર તથા રાજ્યભરના કલા સાધકો હાજર રહ્યા હતા.ખાસ ઉલ્લેખનીય છે કે અનેક પડકારો -અવરોધો વચ્ચે તેઓ પોતાના સમગ્ર પરિવાર સાથે આ કલાનો ભવ્ય વારસો જાળવી રહ્યા છે. છેલ્લા ૨૦ વર્ષથી કઠ પૂતળીના ખેલ દ્વારા ભાર વિનાનું ભણતર અને લોકજાગૃતિના કાર્યક્રમો વિના મૂલ્યે રાજ્યભરમાં કરી રહ્યા છે. તેમણે સ્વની ઓળખ મિટાવી સમાજને આ ભવ્ય વારસાની ઓળખ આપી છે. શિક્ષણના વિવિધ એકમ તથા મૂલ્ય શિક્ષણની વાત ખૂબ સરળ રીતે કઠ પૂતળી દ્વારા કરી રહ્યા છે.
તેમણે આજ સુધી પૂતળી કલાના ૨૦૧૪ જેટલા સફળ પ્રયોગ ૬,૭૮,૨૩૬ ( છ લાખ ઈઠ્યોતેર હજાર બસો છત્રીસ) દર્શક વિદ્યાર્થીઓ અને જન સમાજ સામે રજૂ કરેલ છે .
જેમાં અનેક શાળા -મહાશાળાઓ,રાજ્યકક્ષાના વિજ્ઞાન મેળા, લોકમેળા, ધાર્મિક મેળા તથા શૈક્ષણિક સેમિનારનો સમાવેશ થાય છે. વિશેષ કાંકરિયા કાર્નિવલમાં આ ભૂલાતી લોકકલાની તેમની રજૂઆત ખેડાની આગવી ઓળખ બની છે. તેઓના શૈક્ષણિક પૂતળી ખેલ અવાર નવાર દૂરદર્શન પર પ્રસારિત થતાં રહ્યાં છે.સવિશેષ વિશાળ કદની અનેક 3D રંગોળી દ્વારા પણ તેઓ લોક જાગૃતિ ફેલાવી રહ્યાં છે.કોરોના કાળ વેળા, રાષ્ટ્રીય પર્વ વેળા, BAPS સ્વામિનારાયણ સંસ્થાના વિવિધ મંદિર,અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર્વે તથા સરકાર શ્રીના અનેક અભિયાન વેળા રંગોળી કલા રજૂ કરી છે.હાલ મતદાન જાગૃતિ માટે રંગોળી કલાને તેમણે સબળ માધ્યમ બનાવ્યું છે…
લેખન,શિલ્પ,સાહિત્ય, ગાન-વાદન,ચિત્ર,ભરત ગૂંથણ વગેરે કલા ક્ષેત્રે કાર્યરત ૫૦૦ ઉપરાંત કલાકારોની આવેલ દરખાસ્તોનું તટસ્થ મૂલ્યાંકન કરી આ એવોર્ડ અર્પણ કરાયો. તેમાં કઠ પૂતળી કલા ક્ષેત્રે સમગ્ર રાજ્યમાંથી એકમાત્ર હિતેશકુમાર બ્રહ્મભટ્ટ પસંદગી પામ્યા છે અને સાંસ્કૃતિક વારસા સમી કલા જીવંત રાખનાર ખેડાના એકમાત્ર કલાકાર રૂપે સન્માનિત થઈને જિલ્લાનું વિશેષ ગૌરવ વધાર્યું છે.તેઓની આ સિદ્ધિ બદલ તાલીમ ભવન કઠલાલના
પ્રાચાર્ય ડૉ.કલ્પેશભાઈ પટેલ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.પરેશભાઈ વાઘેલા,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશભાઈ માછી, નડિયાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.આર.પરમાર,બી.આર.સી. ભવન નડિયાદ,ખેડા જિલ્લા અને નડિયાદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે ખાસ અભિનંદન પાઠવ્યા છે.સાથે વાલ્લા ગામ, જિલ્લાના શિક્ષણ જગત અને કલા જગતમાં પણ આનંદ વ્યાપ્યો છે.

