શાળાના ગાંધીવાદી આદર્શ શિક્ષકને ગુજરાત ગૌરવ સન્માન-૨૦૨૪ (શ્રેષ્ઠ શિક્ષક)અર્પણ.
રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સતત સાત વખત સન્માનિત થયાં.
ખેડાનું ખમીર રાજ્યકક્ષાએ ઝળક્યું.

જાયન્ટ ગ્રુપ ઓફ કલોલ મેઈન તરફથી ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનવાનો કાર્યક્રમ “ગુજરાત ગૌરવ સન્માન ૨૦૨૪” યોજાઈ ગયો. જેમાં ઉ.મા.શિક્ષણ બોર્ડ ગાંધીનગરના મદદનીશ સચિવ પુલકિત જોષી,ભાવનગરના કેળવણીકાર તખુભાઈ સાડસુર અને શાસ્ત્રીસ્વામી પ્રેમ સ્વરૂપદાસસ્વામી તથા જાયન્ટ્સ ગૃપ ઓફ કલોલ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.જેઓના હસ્તે ખેડાની નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર હરિપ્રસાદ બ્રહ્મભટ્ટને શ્રેષ્ઠ શિક્ષકનું “ગુજરાત ગૌરવ સન્માન ” અર્પણ કરાયું.ખાસ ઉલ્લેખનીય છે કે,અનેક સંઘર્ષો વેઠી, પ્રચંડ પુરુષાર્થ કરી સફળતાના ઉચ્ચ શિખરે પહોંચનાર આ ગાંધીવાદી શિક્ષક ખેડા જિલ્લાના શિક્ષણ જગત માટે એક પ્રેરણા સ્ત્રોત બન્યા છે.
જેઓ એક બે વાર નહીં પણ સાત – સાતવાર રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન પામ્યા છે.તેઓના ભાર વિનાના ભણતરના અનેક પ્રયોગો રાજ્ય-રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામ્યા છે.એજ્યુકેશન ઈનોવેશન ફેરમાં ચાર વાર રાજ્ય કક્ષાએ જિલ્લાનું નેતૃત્વ કર્યું છે.શિક્ષણ કેન્દ્રી અને બાળ કેન્દ્રી અનેકવિધ પ્રવૃત્તિઓથી વાલ્લા શાળા સદાય ધમધમતી રાખી છે. સમાજ શ્રેષ્ઠીઓ પાસેથી અનેક પ્રકારે શૈક્ષણિક સહાય મેળવી વિદ્યાર્થીઓ અને ગ્રામ્ય સમાજને ખાસ ઉપયોગી બન્યાં છે. વર્ગખંડના શિક્ષણ ઉપરાંત આ ગાંધીવાદી શિક્ષકે લોકકલા, ચિત્રકલા, પરંપરાગત રમકડાં, પરંપરાગત રંગોળી,ગાંધી વિચાર,પર્યાવરણ જાગૃતિ જેવા અનેક વિષયોમાં રાજ્યકક્ષાએ રજૂઆત કરી તો સાથે અનેકવાર સન્માનિત પણ થયાં છે.
સરકાર શ્રીના વિવિધ અભિયાન સફળ બનાવવા લોક જાગૃતિના અનેક કાર્યક્રમ કરેલ છે.તેઓના શૈક્ષણિક પૂતળી ખેલ રાજ્યની આગવી ઓળખ બન્યા છે.સવિશેષ BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંનિષ્ઠ કાર્યકર તેવા આ શિક્ષક સ્વની ઓળખ ગૂમાવી શાળા અને શિક્ષણ માટે સંપૂર્ણ સમર્પિત બન્યા છે.
આમ, અનેકાનેક વાર જિલ્લાનું રાજ્યભરમાં ગૌરવ વધારનાર આ પ્રતિભાવંત શિક્ષકને આ વિશિષ્ટ સિદ્ધિ બદલ તાલીમ ભવન કઠલાલના પ્રાચાર્ય ડૉ.કલ્પેશભાઈ પટેલ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.પરેશભાઈ વાઘેલા,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશભાઈ માછી, નડિયાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.આર.પરમાર,બી.આર.સી. ભવન નડિયાદ,ખેડા જિલ્લા અને નડિયાદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે ખાસ અભિનંદન પાઠવ્યા છે.સાથે વાલ્લા ગામ, જિલ્લાના શિક્ષણ જગતમાં પણ આનંદ વ્યાપ્યો છે.

